પાટણ, 3 જુલાઈ (હિ.સ.) : જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પાટણની મુલાકાત લઈ હતી અને નવા સર્કિટ હાઉસ ખાતે વિવિધ રજૂઆતો સાંભળી હતી. રજૂઆતોને અનુસંધાને ગાંધીનગર ખાતે મંત્રીને રૂબરૂ મળી રિમાઇન્ડર પણ આપવામાં આવ્યું હતું. આ મુલાકાત પાટણ માટે મહત્વપૂર્ણ રહી હતી કારણ કે આથી પાણી પુરવઠાની કામગીરી માટે સરકારનું ધ્યાન આકર્ષાયું હતું.
ત્યારબાદ સુજલામ સુફલામ વર્તુળના અધિક્ષક ઇજનેર ડી.પી. બારોટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે પાટણના નાયબ કાર્યપાલક ઇજનેર ડી.સી. પટેલ અને મદદનીશ ઇજનેર પિયુષભાઈ મિસ્ત્રી પણ જોડાયા હતા. કન્સલ્ટન્સી એજન્સી દ્વારા વિગતવાર ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરાશે, ત્યારબાદ આગળની કાર્યવાહી ઝડપી ગતિએ હાથ ધરાશે.
આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, કોર્પોરેટર જયેશભાઈ પટેલ, ભવનજી ઠાકોર, નગરપાલિકાના પૂર્વ ઇજનેર ગિરીશભાઈ પટેલ તથા શહેર પ્રમુખ હર્ષભાઈ પટેલ હાજર રહ્યા હતા. આવી કામગીરીથી પાટણ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળના પાણી પુરવઠાના કામોને નવો વેગ મળશે તેવી આશા વ્યકત થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર