અમરેલી, 3 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાજીયાવદર ગામની ઓળખ આજે માત્ર ગામડીયું રહી નથી, પરંતુ વિશ્વના નક્શા પર એક ખાસ સ્થાન ધરાવે છે. અહીની વસ્તી અંદાજે 2500 જેટલી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાંના 1000 થી વધુ લોકો વિદેશમાં વસાહત કરીને રહે છે. આ લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, લંડન અને કેલિફોર્નિયા જેવા દેશોમાં સ્થાયી થયા છે. ગામના વધુ વિસ્તૃત રહેવાસીઓ આજે સુરત, અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં રોજગારી અને વ્યવસાય માટે સ્થાયી થયા છે.
ક્રિપાલસિંહ દાનસિંગભાઈ જાડેજા જણાવે છે કે સાજીયાવદર ગામે આજે જે વિકાસનો મુકામ મેળવ્યો છે તે માત્ર સરકારી યોજના અથવા સ્થાનિક પ્રયાસો નહીં પરંતુ વિદેશ વસાહત કરેલા ગામલોકોના સહયોગથી શક્ય બન્યો છે. વિદેશમાં વસેલા ગામલોકોએ પોતાની માટી સાથેનો સબંધ જાળવી રાખ્યો છે અને ઘણાં વિસ્તારોમાં દાનરૂપે વિકાસના કામોમાં યોગદાન આપ્યું છે.
ગામના વર્તમાન સરપંચ હરેશભાઈ ધાંધલની આગેવાની હેઠળ ગામમાં વિવિધ વિકાસના કામો થયા છે. ગામમાં today’s youth ને આકર્ષે તેવી સુવિધાઓ જેમ કે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. આર.ઓ. પ્લાન્ટ દ્વારા શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. રોડ અને રસ્તા સુઘડ બનાવવામાં આવ્યા છે, ગટર લાઇન તથા હવાડા જેવા આયોજન દ્વારા સ્વચ્છતા તરફ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
વૃક્ષારોપણની પ્રવૃત્તિ દ્વારા ગામને હરિયાળું બનાવવાની પહેલ પણ કરવામાં આવી છે. ચબુત્રા અને પેવર બ્લોકના કામોથી ગામની સુંદરતા વધારવામાં આવી છે.
સાજીયાવદર ગામ એ વિકસતું ગામ છે, પણ સાથે સાથે તે પ્રગતિના માર્ગે સ્થાનિક અને વૈશ્વિક જોડાણ ધરાવતું ભવ્ય ઉદાહરણ છે. ગામલોકોની એકતા, વિદેશમાં રહેલા દાતાઓની લાગણી અને સ્થાનિક નેતૃત્વની દ્રઢ ઇચ્છાશક્તિએ આજે સાજીયાવદરને અમરેલી જિલ્લાના અન્ય ગામો માટે પ્રેરણાસ્ત્રોત બનાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek