પાટણ, 3 જુલાઈ (હિ.સ.) : ભરતમાલા પ્રોજેક્ટ હેઠળ પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં જમીન સંપાદનનો મુદ્દો તીવ્ર બન્યો છે. જમીનના વળતરની માંગણી સાથે અનેક ખેડૂતો સિંધવાઈ મંદિર ખાતે એકત્રિત થઈ પાટણ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. આ રેલીમાં ખેડૂતોએ સરકારની જમીન સસ્તા ભાવે સંપાદન કરવાની નીતિનો ગંભીર વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમની જમીનનું વળતર માર્કેટ વેલ્યુ અને નવી જંત્રી મુજબ જ ચૂકવવામાં આવે. તેઓએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને સરકારને જણાવ્યું કે યોગ્ય વળતર ન મળ્યા સુધી જમીન આપવાની તૈયારી નથી. તેમણે જીવ જશે પણ જમીન નહીં આપીએનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં માને, તો તેઓ પરિવાર અને પશુધન સાથે ગાંધીનગર ખાતે જતીનુ આંદોલન કરશે. તેમણે માર્કેટ વેલ્યુ પ્રમાણે જમીનનો સર્વે કરાવી અને સૂચિત જંત્રી મુજબ વળતર ચૂકવવાની માંગ પુનરાવૃત્ત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર