ગીર સોમનાથ 3 જુલાઈ (હિ.સ.) છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડી તેને મુખ્ય ધારામાં લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વિવિધ જનસુરક્ષા યોજનાઓના લાભ તમામ જરૂરતમંદ લોકોને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આજે 'જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન'નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.
આ સંદર્ભે આ યોજનાઓના લાભ જિલ્લાના નાગરિકોને મળે તે માટે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના શીર્ષ અધિકારીઓ સાથે આ માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના જિલ્લાઓના કલેક્ટરઓ - વિકાસ અધિકારીઓઓ - શહેરી સત્તામંડળો અને બેંકના અધિકારીઓ સાથે ગીર સોમનાથ વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયાં હતાં.
કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે ઉપસ્થિત સર્વે અધિકારીઓને તા. ૦૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૫ એટલે કે ત્રણ માસ સુધી ચાલનારા આ અભિયાન અન્વયે ગ્રામ્ય વિસ્તારમાં જનકલ્યાણલક્ષી યોજનાઓનો ગ્રામજનો ખાસ લાભ લે અને યોજનાઓના લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ મોદીના વિકસિત ભારતના સંકલ્પને વિકસિત ગુજરાતથી સાકાર કરવા આ અભિયાનના માધ્યમથી જરૂરતમંદ લાભાર્થીઓ સુધી યોજનાઓ પહોંચાડીને તેમના સામાજિક-આર્થિક જીવનમાં પરિવર્તન લાવવા ગુજરાત કટિબદ્ધ છે.
આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત લીડ બેન્કર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ