સોમનાથ ટ્રસ્ટે- ગીર સોમનાથના 300 ક્ષય દર્દીઓને 2400 કિલો પોષણયુક્ત આહાર સામગ્રી, વિતરણ કરી
સોમનાથ ટ્રસ્ટ 6 મહિનામાં 14,400 કિલો, પૌષ્ટિક આહાર સામગ્રી વિતરણ કરશે
દર્દીઓને 2400 કિલો પોષણયુક્ત આહાર સામગ્રી


ગીર સોમનાથ 3 જુલાઈ (હિ.સ.) આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ટીબી મુક્ત ભારત ધ્યેયને સાર્થક કરવા શ્રી સોમનાથ ટ્રસ્ટે માનવીય પ્રકલ્પ પ્રારંભ કર્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને ક્ષય નિર્મૂલન વિભાગ સાથે સંકલન કરીને જિલ્લાના 300 જેટલા ટીબી ગ્રસ્ત દર્દીઓને એકઠા કરીને સોમનાથ તીર્થના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે તેમને ટ્રસ્ટના માન.ટ્રસ્ટી જે.ડી.પરમાર અને જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય સાહેબના હસ્તે, પ્રતિ દર્દી 8 કિગ્રાની આહાર સામગ્રીની સંકલિત કીટ અર્પણ કરવામાં આવી હતી.

જેમાં ચણા,ગોળ,મગ,સોયાબીન,શીંગદાણા,ચોખા,તુવેરદાળ,સિંગતેલ તમામનો 1-1 કિલો સમાવેશ થાય છે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન આપતા જે.ડી.પરમાર સાહેબે જણાવેલ કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેમ દેશના વડા છે તેમ જ તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડા છે. જેથી તેમની પ્રેરણાથી જ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ જનસેવામના પ્રકલ્પો ચલાવવામાં આવી રહ્યા છે. આ સાથે ન્યુટ્રિશન કીટ સ્વરૂપ અન્ન વિશે તેમણે જણાવેલ કે આપણી સંસ્કૃત ઉક્તિઓમાં પણ અન્નને બ્રહ્મ એટલેકે ઈશ્વર કહેવામાં આવ્યું છે. પોષણયુક્ત અન્ન ઈશ્વર સ્વરૂપ બની આપણા વૈશ્વાનર અગ્નિને પ્રજ્વલિત કરી આપણને જીવીત રાખે છે. જેથી પોષ્ટિક આહાર લઈને ઈશ્વર કૃપાથી તમામ દર્દીઓ સાજા થઈ શકે છે.

આ તકે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય સાહેબે નિક્ષય મિત્ર બની 300 દર્દીઓની પોષણયુક્ત આહાર સામગ્રી પૂરી પાડવાની જવાબદારી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વહન કરવામાં આવી રહી છે તેના બદલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી મંજુલાબેન મૂછાળ, નગરપાલિકા પ્રમુખ પલ્લીવેન જાની, અધિક કલેક્ટર રાજેશભાઈ આલ, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોષી, drda ના ડિરેક્ટર જોષી, જિલ્લા આરોગ્ય અધિકારી બરુઆ, આરોગ્ય અધિકારી અરુણ રોય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ટીબી મુક્ત ભારત ના સંકલ્પને સિદ્ધ કરવા પ્રયત્નશીલ રહેવા સંકલ્પ કર્યો હતો.

આ તકે પધારનાર દરેક દર્દી અને તેમના પરિજનો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનપ્રસાદની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande