પાટણ, 3 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં એક સગીરાને પ્રેમલગ્નના આશ્વાસન સાથે લલચાવી તેના અપહરણ અને બળાત્કારનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આરોપી રોહિત ઠાકોર, જે નવજીવન સોસાયટી, ગોલ્ડન બ્રિજ સામે રહે છે, તેણે સગીરાને બાઇક પર બેસાડી અપહરણ કર્યું હતું. તેને કાયદેસરના વાલીપણામાંથી બહાર લઇ જઈ પ્રથમ મહેસાણા અને પછી પાટણમાં તેના દાદીના ઘર પાછળના ખેતરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપી દ્વારા સગીરાનું જાતિવિષયક અપમાન પણ કરાયું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. ભોગ બનનાર સગીરાની પિતા દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસએ ગુન્હાની ગંભીરતા દ્રષ્ટીએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(1), 87, 137(2), પોક્સો એક્ટની કલમ 4, 6, 8 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(w)(i), 3(2)(5), 3(2)(5-A) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર