સુરત, 3 જુલાઈ (હિ.સ.)- શહેરના અઠવા વિસ્તારમાં 8 જૂનના રોજ 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ આપઘાત કર્યો હોવાના કેસમાં નવી વિગતો બહાર આવી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, અંજલિના નજીકના મિત્ર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.
માહિતી મુજબ, અંજલિ અને ચિંતન વચ્ચે અગાઉ પ્રેમસંબંધ રહ્યો હતો. પોલીસ સૂત્રો મુજબ, સંબંધમાં તણાવ તથા વ્યક્તિગત સ્તરે થયેલા વિવાદોના કારણે અંજલિ માનસિક દબાણમાં હતી. અંજલિએ આપઘાતના થોડા સમય પહેલા પ્રેમી સાથે કોલ પર 16 મિનિટ જેટલી વાતચીત કરી હતી. આપઘાત પહેલા કુલ 23 ફોન કોલ્સ થયાની વિગતો પણ બહાર આવી છે.
અંજલિ વરમોરા મોડેલિંગ જગતમાં સક્રિય હતી અને વિવિધ કંપનીઓ સાથે સંકળાયેલી હતી. સુરત તથા અમદાવાદમાં અલગ-અલગ પ્રોજેક્ટ્સ માટે તે કામ કરતી હતી. પરિવાર તરફથી પણ તેને પૂરો સહયોગ મળતો હતો.
હાલ પોલીસ તરફથી તટસ્થ દૃષ્ટિકોણથી તપાસ ચાલી રહી છે અને ચિંતન અગ્રાવત સામે નોંધાયેલી ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે