પાટણ, 3 જુલાઈ (હિ.સ.)પાટણની સહાયક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) દ્વારા વાહનવેરાની વસૂલાત માટે કડક પગલાં ભરવામાં આવ્યા છે. કુલ સાત વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે, જેના માલિકો પાસેથી રૂ. 57,08,708 જેટલી બાકી રકમ વસૂલવાની છે. આ માલિકોમાં અમદાવાદના સિદ્ધરાજસિંહ (રૂ. 45,591), હારીજના રાજુભાઈ (રૂ. 1,73,550), પાટણના શંભુભાઈ (રૂ. 16,36,012), કાંકરેજના ચમુભા (રૂ. 2,36,060), બેચરાજીના ગલુભા (રૂ. 1,64,663), રાજકોટના વિશાલભાઈ (રૂ. 9,07,632) અને પાટણના મનોજભાઈ (રૂ. 25,45,200)નો સમાવેશ થાય છે.
આરટીઓ કચેરીએ ગુજરાત મોટર વાહન વેરા અધિનિયમ, 1958ની કલમ 12(બી) હેઠળ આ કાર્યવાહી અમલમાં મૂકી છે. નોટિસ આપ્યા છતાં વાહન માલિકો અને ફાઈનાન્સરો દ્વારા વેરો ભરવામાં આવ્યો ન હોવાથી હવે કચેરીએ હરાજીનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે, કારણ કે સમય જતાં વાહનોની કિંમત ઘટી શકે છે.
વાહન માલિકોને 5 જુલાઈ 2025 સુધીનો અવકાશ આપવામાં આવ્યો છે. જો આ સમયમર્યાદા સુધીમાં વેરો ચૂકવવામાં નહીં આવે તો વાહનો રાજ્યસાત કરીને હરાજી કરવામાં આવશે અને હરાજીમાંથી મળતી રકમમાંથી સરકારનો બાકી વેરો વસૂલ કરાશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર