પાટણ, 3 જુલાઈ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે પીએચડી પ્રવેશ પરીક્ષા 28થી 30 જૂન અને 1 જુલાઈ 2025 દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. યુનિવર્સિટી કેમ્પસના કોમ્પ્યુટર સાયન્સ ભવનમાં કુલ નવ સેશનમાં આ પરીક્ષા યોજાઈ હતી. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોર પોરીયા અને રજિસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈએ પરીક્ષા દરમિયાન કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
પરીક્ષાના કો-ઓર્ડિનેટર આશિષ પટેલના જણાવ્યા મુજબ, 28 વિષયોની 586 સીટો માટે કુલ 1968 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આશરે 75% વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પરીક્ષા 100 ગુણની હતી, જેમાં રિસર્ચ મેથોડોલોજી માટે 50 અને વિષય સંબંધિત પ્રશ્નો માટે 50 ગુણ રાખવામાં આવ્યા હતા. જનરલ કેટેગરી માટે લઘુત્તમ 50 અને અનામત વર્ગ માટે 45 ગુણની પાત્રતા મર્યાદા નક્કી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થતા જ તેમના પ્રાપ્ત ગુણની જાણ કરવા સગવડ મળી હતી. આગામી સમયમાં પ્રવેશ પ્રક્રિયા યોજાશે અને ત્યારબાદ અંતિમ મેરિટલિસ્ટના આધારે પીએચડી પ્રવેશ આપવાનો ક્રમ શરૂ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર