નવી દિલ્હી, 3 જુલાઈ (હિ.સ.) પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતમાં તમામ પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા આ એકાઉન્ટ્સ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, જેના કારણે દેશના લોકોમાં રોષ ફેલાયો હતો. ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ નિર્ણયની ટીકા કરી હતી. હવે ફરી એકવાર ભારતમાં પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ, સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો સિલસિલો ચાલુ છે.
અહેવાલો અનુસાર, કટોકટી સમીક્ષા બેઠક પછી, ભારત સરકારે ફરી એકવાર કડક પગલું ભર્યું છે અને ભારતમાં 18 હજારથી વધુ પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. તાજેતરમાં, માવરા હોકેન, હાનિયા આમિર અને ફવાદ ખાન જેવા ઘણા પાકિસ્તાની કલાકારો અને ક્રિકેટરોના સોશિયલ મીડિયા પ્રોફાઇલ ભારતીય વપરાશકર્તાઓને દેખાતા હતા, પરંતુ હવે સરકારની નવી કાર્યવાહી હેઠળ, ભારતમાં આ બધાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફરીથી બ્લોક કરવામાં આવ્યા છે.
જ્યારે કોઈ ભારતીય યુઝર પાકિસ્તાની કલાકારોનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કરે છે, ત્યારે સ્ક્રીન પર આ સંદેશ દેખાય છે, આ એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી. આનું કારણ એ છે કે, અમે કાનૂની વિનંતીને પગલે આ સામગ્રીને બ્લોક કરી છે.
નોંધનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. આ રાજકીય અને રાજદ્વારી મુકાબલાની અસર, હવે મનોરંજન જગત પર પણ સીધી રીતે અનુભવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ