પાટણ, 3 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં ધોરણ 1થી 8ના SC/ST/OBC વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહાય યોજનામાં ટેકનિકલ સમસ્યાઓ ઉભી થઈ છે. બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના અન્ય બેંકમાં મર્જર થવાથી વિદ્યાર્થીઓની બેંક વિગતો ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડિલીટ થઈ ગઈ છે, જેના કારણે વર્ષ 2025-26 માટેની શિષ્યવૃત્તિ અરજી પ્રક્રિયામાં અવરોધ આવી રહ્યો છે.
આ મુદ્દે પાટણ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. તેમણે જણાંવ્યું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ડેટા એન્ટ્રી દરમિયાન વિદ્યાર્થીઓની જૂની બેંક વિગતો ઉપલબ્ધ નથી. આથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના કામકાજમાં મુશ્કેલીઓ સર્જાઈ છે.
નરેશભાઈ પરમારે સૂચન કર્યું છે કે અંતરિયાળ વિસ્તારોમાં, જ્યાં રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓ ઉપલબ્ધ નથી, ત્યાં બેંક અથવા પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ શાળાઓમાં જઈ તાત્કાલિક નવા ખાતાઓ ખોલવા જોઈએ. આ વ્યવસ્થાથી જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ સરળતાથી મળી રહેશે અને યોજનાનું હેતુ પૂરું થશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર