પાટણની બે ગ્રામ પંચાયત સતત પાંચમી વાર સમરસ જાહેર, ઈલમપુર અને ચડાસણા ગામના વિકાસ માટે મળશે ₹8.50 લાખની ગ્રાન્ટ
ગાંધીનગર, 3 જુલાઈ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવાનું સ્વપ્ન જોયું છે તેને સાકાર કરવામાં ગામડાંઓ મહત્વની ભૂમિકા ભજવશે. ગામડાંઓનો વિકાસ આગળ ધપાવવામાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓ ગામલોકોની સર્વસંમતિથી થાય એ જરૂરી
પાટણની બે ગ્રામ પંચાયત સતત પાંચમી વાર સમરસ


પાટણની બે ગ્રામ પંચાયત સતત પાંચમી વાર સમરસ


ગાંધીનગર, 3 જુલાઈ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવાનું સ્વપ્ન જોયું છે તેને સાકાર કરવામાં ગામડાંઓ મહત્વની ભૂમિકા ભજવશે. ગામડાંઓનો વિકાસ આગળ ધપાવવામાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓ ગામલોકોની સર્વસંમતિથી થાય એ જરૂરી છે જેથી તેઓ વિકાસના કામોમાં ઉત્સાહભેર ભાગ લે, ચૂંટણીમાં બિનજરૂરી ખર્ચ ન થાય અને ગામમાં સુમેળભર્યું વાતાવરણ પેદા થાય. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ જ ઉદ્દેશથી 2001માં ‘સમરસ ગ્રામ પંચાયત યોજના’ શરૂ કરી હતી. આ યોજના હેઠળ સર્વસંમતિથી રચાતી ગ્રામપંચાયતો, એમાં પણ મહિલા સમરસ પંચાયતોને વિશેષ અનુદાન આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આ યોજનાના અસરકારક પરિણામો દેખાયા છે, જેમાં પાટણ જિલ્લાની બે પંચાયતો સતત પાંચમી વખત સમરસ જાહેર થઈ છે.

પાટણની ઈલમપુર ગ્રામ પંચાયતને ગામના વિકાસ માટે મળશે ₹8.50 લાખની ગ્રાન્ટ

ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ સહિત ગ્રામ પંચાયતના તમામ વોર્ડના સભ્યો બિનહરીફ ચૂંટાય તેને સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સરપંચ સહિત વોર્ડના તમામ સભ્યો મહિલા બિનહરીફ થાય તો આવી ગ્રામ પંચાયતોને મહિલા સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે. પાટણ જિલ્લામાં આવેલી ઈલમપુર ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ સતત પાંચમી વખત સમરસ અને પ્રથમ વખત મહિલા સમરસ જાહેર થઈ છે, એટલે કે હવે પાંચ વર્ષ સુધી ગામનું સુકાન મહિલાઓ સંભાળશે. સતત પાંચમી વખત સમરસ બનવા બદલ ઈલમપુર ગ્રામ પંચાયતને ₹8.50 લાખનું અનુદાન આપવામાં આવશે. ઈલમપુરની ગ્રામ પંચાયતમાં 35 વર્ષીય સરપંચ શ્રી કેસરબેન મંગાજી ઠાકોર ઉપરાંત 8 અન્ય સભ્યો છે. આ તમામ સભ્યો મહિલાઓ જ છે, જેમની ઉંમર 32થી 68 વર્ષ છે.

સરપંચ કેસરબેને જણાવ્યું હતું કે, “1100થી વધુની વસ્તી ધરાવતા અમારા ઈલમપુર ગામમાં આઝાદી પછી ચૂંટણી જ નથી થઈ. અહીં લોકો ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. સરકારશ્રી તરફથી જે ગ્રાન્ટ મળશે, તેનાથી અમે ગામનો વિકાસ સુનિશ્ચિત કરશું.”

પાટણની ચડાસણા ગ્રામ પંચાયત સતત 5મી વાર સમરસ, બીજી વાર મહિલા સમરસ બની

ઈલમપુર ગ્રામ પંચાયતની જેમ પાટણની ચડાસણા ગ્રામ પંચાયત પણ સતત પાંચમી વખત સમરસ જાહેર થઈ છે. ચડાસણા ગ્રામ પંચાયતને પણ આ સિદ્ધિ માટે 8.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. 56 વર્ષીય શ્રી દેસાઈ અમથીબેન દિનેશભાઈ ચડાસણા ગ્રામ પંચાયતના સરપંચ છે, તેમના ઉપરાંત પંચાયતમાં 8 મહિલા સભ્યો છે. ગામના સરપંચશ્રી જણાવે છે કે, “અમારા ગામમાં 547ની વસ્તી છે અને તમામ જ્ઞાતિના લોકો સંપ અને સુમેળથી રહે છે. ઈલમપુર ગામ જો આ રીતે હંમેશાં સમરસ જ રહેશે, તો ગામમાં કાયમ શાંતિ જળવાઈ રહેશે અને ગામનો વિકાસ થતો રહેશે.”

મહિલા સમરસ ગ્રામ પંચાયતોની ટોપ-5 યાદીમાં પાટણ બીજા ક્રમે

ઉલ્લેખનીય છે કે, ‘સમરસ ગ્રામ પંચાયત યોજના’ હેઠળ મહિલા સમરસ ગ્રામ પંચાયતની પહેલ એ મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં કુલ 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ છે, જેની ટોપ-5 યાદીમાં મહેસાણા (9), પાટણ (7), ભાવનગર (6), બનાસકાંઠા (6) અને વડોદરા (4) સામેલ છે. આગામી 4 જુલાઈ, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યની આ 56 મહિલા સમરસ ગ્રામ પંચાયતોને ગામના વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. આ ગ્રાન્ટ દ્વારા ગામડાંઓ સુવિધાયુક્ત બનશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામડાંઓના જીવનને સુધારવાનું જે સ્વપ્ન જોયું છે તે સાકાર થશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande