પાટણ, 30 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકામાં ગઈકાલે ચીફ ઓફિસર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તુ-તુ, મેં-મેંનો બનાવ સર્જાયો હતો. આ મામલો એટલો વણસ્યો કે મોડી રાત્રે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. તેઓએ ચીફ ઓફિસર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ સીધી ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરી.
કોંગ્રેસ કાર્યકર હરગોવનભાઈ મકવાણાએ ચીફ ઓફિસર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ લેખિત અરજી કરી હતી. પ્રાથમિક તબક્કે માત્ર અરજી લેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ધારાસભ્ય કિરીટ પટેલે પહોંચીને PSO સમક્ષ ફરિયાદ સ્વીકારવાની માંગ કરી. PSO દ્વારા “સાહેબને મળો” કહી જવાબ મળતાં તેઓ PI કે. જે. ભોયને મળ્યા અને ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી.
PI ભોયે જણાવ્યુ હતું કે, બંને પક્ષોની અરજી લેવામાં આવી છે, પરંતુ કોઈ પણ પક્ષ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો નથી. આથી ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસ પર આરોપ મૂક્યો કે આરોપીને બચાવવા જઉદ્દેશપૂર્વક માત્ર અરજી લેવામાં આવી છે. હાલની સ્થિતિમાં હવે તપાસ અને કાર્યવાહી કેવી થાય છે તે જોવું રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર