પાટણ, 4 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં 1 જુલાઈ, 2025થી નાલસા અને MCPC દ્વારા 'મીડિયેશન ફોર ધ નેશન' અંતર્ગત 90 દિવસનું મધ્યસ્થીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવાઈ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતના માર્ગદર્શન હેઠળ આ અભિયાન અમલમાં મૂકાયું છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ જિલ્લા અને તાલુકા કોર્ટમાં પડતર કેસોનો ઝડપી નિકાલ લાવવા માટે છે. તેમાં લગ્નજીવનની તકરારો, અકસ્માત વળતર, ઘરેલુ હિંસા, ચેક બાઉન્સ, વેપારી વિવાદ, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો તેમજ ગ્રાહક તકરાર, મિલકત વિભાજન, જમીન સંપાદન અને દીવાની કેસોનો સમાવેશ થાય છે.
નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના પડતર કેસો માટે સંબંધિત કોર્ટમાં મધ્યસ્થીકરણ માટે અરજી કરે. આ અભિયાન દ્વારા બંને પક્ષો વચ્ચે સમજૂતીથી સુખદ નિકાલ લાવવા અને ન્યાય પ્રાપ્તિની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર