અમરેલી, 4 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના જસવંતગઢ વિસ્તારમાં શ્વાનોના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના પરપ્રાંતિય ખેતમજૂર પરિવારની 2 વર્ષની નાનકડી બાળકી પર ત્રાસી ગયા શ્વાનોએ હુમલો કર્યો હતો. આ હદયવિદારક ઘટનામાં બાળકી ગંભીર રીતે ઘવાઈ હતી અને સારવાર માટે લઈ જવામાં આવતા પહેલા તેનું દુખદ મોત નિપજયું હતું.
તે જ દિવસે બે અન્ય બાળકો પર પણ શ્વાનો દ્વારા હુમલાની ઘટના સામે આવી હતી. સદનસીબે આસપાસના લોકો તત્કાલ પહોંચતાં બંને બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ અચાનક થયેલા હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
જસવંતગઢ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે ખેતમજૂર પરિવારો કાર્યરત છે અને આવા સમયમાં શ્વાનોનો ઉચ્છૃંખલ હુમલો વધુ ભયજનક બની રહ્યો છે. એક તરફ આસપાસના જંગલ વિસ્તારના કારણે લોકો સિંહ અને દીપડાની ઉપસ્થિતિથી પહેલેથી જ ચિંતિત છે, ત્યારે શ્વાનોના આક્રમક વર્તનથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. સ્થાનિક લોકો અને ખેતમજૂરો તંત્રને આ બાબતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek