પાટણ, 4 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકાની સાપ્તાહિક સંકલન બેઠકમાં શહેરના રોડ-રસ્તા અને ચોમાસા દરમિયાન ઊભી થતી સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. ચોમાસા સમયે જીયુડીસી અને વીજ કંપનીના કરોડોના વિકાસ કામોને લીધે પડેલા ખાડા અને ભૂવાની સમસ્યાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન ગ્રાન્ટની ફાળવણીના મુદ્દે પ્રમુખ હિરલબેન પરમાર અને કેટલાક સદસ્યો વચ્ચે મતભેદ પણ સર્જાયા હતા.
પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે, દરેક વોર્ડના સભ્યોને તેમના વિસ્તારમાં ફરી વરસાદી સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. નગરસેવકોને પડેલા ખાડા અને ભૂવાની માહિતી નગરપાલિકાને આપવાની રહેશે. સાથે જ નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં વરસાદી પાણીથી થતી તકલીફોની માહિતી પણ એકત્રિત કરવાની રહેશે.
શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ યોગ્ય રીતે થઈ શકે તે માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં કારોબારી ચેરમેન મુકેશ પટેલ, મહેશ પટેલ, મનોજ એન. પટેલ, રાજેન્દ્ર હિરવાણીયા, બિપીન પરમાર, અનિલાબેન મોદી, સીટી મેનેજર મૌલિન પટેલ અને આસમાન પાલ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર