જૂનાગઢ 4 જુલાઈ (હિ.સ.) મોહરમ તાજીયાના સબબ રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવતું હોય અને આ તાજીયા ટાઢા કરવા માટે જૂનાગઢ જિલ્લાના માંગરોળ બારા ખાતે લઈ જવામાં આવતા હોય છે. ત્યારે જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.પટેલે સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડી જેતપુર શહેરના તાજીયા માંગરોળ બારામાં ટાઢા કરવા જવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ જાહેરનામાની મુજબ આ તાજીયા જેતપુરથી જૂનાગઢ જિલ્લાની ચોકી સોરઠથી શરૂ થતી હદમાં હાઈ-વે ઉપર કે, અન્ય કોઈ માર્ગે લઈ જવા પ્રવેશવું નહીં તેમજ ધોરાજીથી જૂનાગઢના રોડ ઉપર પણ જૂનાગઢ જિલ્લાની ઝાલણસરથી શરૂ થતી હદમાં પ્રવેશવું નહીં. ઉપરાંત જૂનાગઢ જિલ્લાના માંગરોળ બારામાં તાજીયા ટાઢા કરવા અન્ય કોઈ માર્ગે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશવું નહીં. આ જાહેરનામું તાત્કાલીક અસર થી તા. ૦૭-૦૭-૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામા ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ