સુરત, 4 જુલાઈ (હિ.સ.)- જીવનમાં આવનારા પડકારોનો સામનો કરવાની હિંમત હોય ત્યારે જ આપણે આગળ વધી શકીએ છીએ. સુરતના રહેવાસી 23 વર્ષીય યુવા સ્વપ્નિલ પાટિલના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભાથી પડકારોનો સામનો કરી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
સ્વપ્નિલે સુરત જિલ્લાના તરસાડીની માલિબા ફાર્મસી કોલેજથી બી.ફાર્મ. કર્યું છે. સ્વપ્નિલના પરિવારમાં ચાર સભ્યો છે. તેના પિતાજી શાકભાજી વેચે છે, અને માતા ગૃહિણી છે. બી.ફાર્મના અભ્યાસ દરમિયાન જ સ્વપ્નિલને એક દિવસ ભારત સરકારની પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) વિશે જાણકારી મળી. આ યોજના ફક્ત તાલીમ જ નથી આપતી, પરંતુ સફળ ઉમેદવારોને એક સારી નોકરી મેળવવા માટે સક્ષમ પણ બનાવે છે એવું જાણ્યા પછી સ્વપ્નિલના જીવનની એક નવી શરૂઆત થઈ.
જ્યારે સપનાંઓ મોટાં હોય ત્યારે દરેક માર્ગ સરળ બની જતો હોય છે. સ્વપ્નિલે PMKVY હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું અને પછી મક્કમ મનોબળ અને ટ્રેનર્સના માર્ગદર્શનથી ધીમે ધીમે લક્ષ્ય તરફ આગળ વધવા લાગ્યો. તેણે કોલેજની સાથે જ આ કોર્સ પૂરો કર્યો. તાલીમ દરમિયાન તેને મેડિકલ ઇક્વિપમેન્ટ એટલે કે તબીબી ઉપકરણો અને દસ્તાવેજીકરણ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. તાલીમથી સ્વપ્નિલને કૌશલ્યની બારીકાઈઓ શીખવામાં તો મદદ મળી જ પણ સાથે-સાથે તેના વ્યક્તિત્વનો પણ વિકાસ થયો.
સ્વપ્નિલ જણાવે છે કે, “જ્યારે હું કોલેજમાં બી.ફાર્મનો કોર્સ કરી રહ્યો હતો એ દરમિયાન કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) વિશે મારા માટે વરદાન સાબિત થઈ, કારણકે તેનાથી મારા ટેક્નિકલ કૌશલ્યમાં વધારો થયો, મને નવી બાબતો, પાસાઓ વિશે શીખવા મળ્યું. આ યોજનાની સૌમોટી ખાસિયત એ છે કે તે નિઃશુલ્ક છે, જેમાં તાલીમ ઉપરાંત એક પ્રમાણિત સર્ટિફિકેટ પણ મળે છે, જે ભાવિ કારકિર્દી માટે ખૂબ જરૂરી છે. હવે મારા ભવિષ્ય વિશેનો નિર્ણય લેવામાં સરળતા થઈ ગઈ છે. જે યુવાનોને કોઈક કારણોસર નોકરી નથી મળતી, તેવા યુવાનોને હું કહેવા માંગું છું કે તેઓ PMKVY હેઠળ તાલીમ મેળવીને સપનાને સાકાર કરી શકે છે. તેનાથી નોકરીની સાથે સમાજમાં સન્માન પણ મળશે.
જીવનમાં કંઈક કરી બતાવવાના સપના સાથે સ્વપ્નિલે પોતાના માતા-પિતા સાથે સમાજનું નામ પણ રોશન કર્યું છે. આ જ કારણ છે કે, આજે સ્વપ્નિલ પોતાની મહેનત અને સમર્પણના બળે સહજાનંદ મૅડિકલ ટેક્નોલૉજીઝમાં કાર્યરત છે અને પ્રતિ માસ ₹૨૧ હજાર કમાય છે. આનાથી સ્વપ્નિલ આત્મનિર્ભર તો બન્યો જ છે, સાથે પરિવારને પણ આર્થિક રીતે સમૃદ્ધ કરી રહ્યો છે. સ્વપ્નિલ ઉપરાંત, તેના આખા પરિવારના ચહેરા પર સ્મિત ચમકી રહ્યું છે. સ્વપ્નિલ ભારત સરકારનો આભાર માને છે, જેમણે તેને સફળતાની સીડી ચડવામાં મદદ કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે