નાણામંત્રીની કનુભાઈ દેસાઈના હસ્તે નવનિર્મિત જુજવાની ડી.એલ.શાહ પ્રાથમિક શાળાનું લોકાર્પણ
વલસાડ, 5 જુલાઈ (હિ.સ.)- નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ તાલુકાના જુજવા ખાતે અંદાજીત રૂ. 5.60 કરોડના ખર્ચે નવનિર્મિત ડી. એલ. શાહ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ શાળાનું સંચાલન જુજવા વિભાગ કેળવણી મંડળ દ્વારા કરવામાં
Valsad


વલસાડ, 5 જુલાઈ (હિ.સ.)- નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ તાલુકાના જુજવા ખાતે અંદાજીત રૂ. 5.60 કરોડના ખર્ચે નવનિર્મિત ડી. એલ. શાહ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ શાળાનું સંચાલન જુજવા વિભાગ કેળવણી મંડળ દ્વારા કરવામાં આવે છે.

લોકાર્પણ પ્રસંગે મંત્રીએ સૌને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, હજારો વર્ષો પહેલા ગુરૂકૂળમાં અભ્યાસ થતો હતો. ત્યારે આવી શિક્ષણ પદ્ધતિ ન હતી પરંતુ જીવનનું દરેક શિક્ષણ આપવામાં આવતું હતું. હવે ટેક્નોલોજીનો યુગ છે એ પ્રમાણેનું શિક્ષણ આપવામાં આવે છે. જેની સાથે સાથે અંગ્રેજી ભાષાનું પણ ચલણ વધ્યું છે. પરંતુ માતૃભાષામાં આપવામાં આવતું શિક્ષણ ખુબ જ મહત્વનું છે. માતૃભાષાને કારણે બાળકની ગ્રહણ શક્તિ વધે છે અને સમજવામાં પણ સરળતા રહે છે.

મંત્રીએ ગાંધીજી, સરદાર પટેલને તેમનું શિક્ષણ દેશને કેવી રીતે ઉપયોગી થયું હતું તે જણાવ્યું હતું. વધુમાં તેમણે વલસાડના ગૌરવ એવા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજીભાઈ દેસાઈને યાદ કરતા કહ્યું હતું કે, તેમણે પણ સામાન્ય શાળામાં જ શિક્ષણ મેળવ્યું હતું પરંતુ દેશના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા.

વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે શાળાના લોકાર્પણની શુભેચ્છા આપતા પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, શાળાના નવા મકાનથી વિદ્યાર્થીઓને સુવિધાયુક્ત શિક્ષણ મળશે.

કાર્યક્રમમાં વલસાડવાપી ઈન્ડસ્ટ્રીયલ એસોશિયેશનના પ્રમુખ સતીષ પટેલ, વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી, ડી.એલ.શાહ ઓર્ગેનાઈઝેશનના ધનબેન ગાંધી, દાતા ભરતભાઈ દેસાઈ, અન્ય દાતાઓ, ટ્રસ્ટના ટ્ર્સ્ટી અને સભ્યો, ગામના અગ્રણીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande