સુરત, 4 જુલાઈ (હિ.સ.)- રામપુરા વિસ્તારમાં રહેતા મહિલાને પાડોશીએ બેન્કમાં મોર્ગેજમાં મૂકેલ મિલ્કત વેચાણ કરી રૂપીયા ૩૨ લાખ પડાવ્યા હતા. બેન્ક કર્મચારીઓ દ્વારા મિલ્કતને સીલ કરવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેથી મહિલાએ પોતાના પૈસા માંગતા મિલકતદારે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
રામપુરા, લાલમીંયા મસ્જીદ, અખાડા મહોલ્લો ખાતે રહેતા અને ચીકનની દુકાન ધરાવતા લતીફભાઈ તુકડુ ખાટકીએ તેમની સામે રહેતા અબ્દુલ અઝીઝ હુસેનમીંયા ઘાસવાલા (રહે, નૂરી મહોલ્લો, રામપુરા) પાસેથી નુરી મહોલ્લાથી અશક્તાશ્રમ તરફ જવાના રોડ ખાતે આવેલ મિલ્કત રૂપિયા ૩૨ લાખમાં લીધી હતી. અને તેનો ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨માં વેચાણ દસ્તાવેજ બનાવી આપી કબજા પણ આપી દીધો હતો. લતીફભાઈ અને તેનો પરિવાર ગત તા ૧૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ઘરે હતો તે વખતે યુનીટી સ્મોલ ફાયનાન્સ બેન્કનો કર્મચારી તેમજ ડિસ્ટ્રીકટ કોર્ટ કમિશનર આવી અબ્દુલ ઘાસવાલાએ સને ૨૦૧૯માં મિલ્કત મોર્ગેજમાં મુકી ૩૧ લાખની લોન લીધી હોવાનુ કહેતા તેઓ ચોકી ઉઠ્યા હતા. આ અંગે લતીફ અને તેની પત્ની સલમાબીબીએ વાત કરતા અબ્દુલ ઘાસવાલાએ ઝઘડો કરી જીવતા રહેવા નહી દઉ તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બેન્ક દ્વારા ૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મિલ્કત ખાલી કરાવી સીલ માર્યુ હતું. બીજી તરફ અબ્દુલ ઘાસવાલાએ પોતાનું ઘર ખાલી કરી ભાગી ગયો હતો. બનાવ અંગે લતીફ ખાટકીની પત્ની સલમાબીબીએ ગતરોજ લાલગેટ પોલીસમાં અબ્દુલ ઘાસવાલા સામે ફરિયાદ નોધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે