વડોદરા , 8 જુલાઈ (હિ.સ.)-કપુરાઇ બ્રિજ નીચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકની ટક્કરથી રિક્ષા પલટી જતા રિક્ષા ચાલક મોહંમદ ઇલ્યાસ હસનભાઇ વાણીયાવાલાનું મોત થયું હતું.
અન્ય સહયાત્રિક હર્ષદભાઇ જ્યંતિભાઇ માળી, જે ડભોઇથી વડોદરા ફૂલો ખરીદવા જઈ રહ્યા હતા, તેમણે માહિતી આપતી જણાવ્યું કે સવારે લગભગ 5 વાગ્યે કપુરાઇ ચોકડી પાસે બ્રિજ નીચે પહોંચતાં જ અમદાવાદથી સુરત તરફ જતા રોડ પર પાછળથી આવતી એક આયશર ટ્રકે ટક્કર મારી હતી.
ટક્કરથી રિક્ષા પલટી ગઈ હતી અને રિક્ષા નીચે દબાયેલા ઈલ્યાસને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ દોડી આવી તેમને બહાર કાઢ્યા હતા અને પહેલાં સયાજી હોસ્પિટલ, ત્યારબાદ મકરપુરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શરીરમાં આંતરિક ઇજાઓને કારણે ટૂંકી સારવાર દરમિયાન ઇલ્યાસનું દુઃખદ અવસાન થયું હતું.
કપુરાઇ પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીની શોધખોળ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે