સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.)-રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમ જ પરંપરાગત લોકસંસ્કૃતિ, આપણો કલા-વારસો જન-જન સુધી પહોંચે એવા ઉમદા આશયથી કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫ નું આયોજન રાજ્યના ચાર મહાનગરો; સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ તેમજ ૨૯ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રેષ્ઠ ૩ ગણેશ પંડાલોને પુરસ્કાર આપવામાં આવશે.
પ્રથમ ક્રમના વિજેતા શ્રેષ્ઠ ગણેશ પંડાલને રૂ.પાંચ લાખ, દ્વિતીય ક્રમને રૂ.ત્રણ લાખ અને અને તૃતીય ક્રમના ગણેશ પંડાલને રૂ. દોઢ લાખના પુરસ્કારથી સન્માનિત કરાશે. અન્ય પાંચ પંડાલોને પ્રોત્સાહન પુરસ્કાર રૂપે પ્રત્યેકને રૂ.૧ લાખ આપવામાં આવશે.
આ પ્રતિયોગિતા સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ અને પો. કમિશનર અનુપમસિંહ ગહલોત, જિલ્લા વિકાસ અધિકારી મતી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસરની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત 'શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫' યોજવામાં આવશે. જેમાં મંડપ શણગાર, કલાત્મક અને આકર્ષક સજાવટ, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી પર્યાવરણને અનુકૂળ- ઇકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ, ઓપરેશન સિંદૂર, રાષ્ટ્રભાવના અને દેશભક્તિ, સ્વદેશી (વોકલ ફોર લોકલ), પંડાલની સ્થળ પસંદગી જેવી થીમને ધ્યાનમાં લેવામાં આવશે.
ગણેશ મહોત્સવ દરમિયાન 'ઓપરેશન સિંદૂર'ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન તેમજ વડાપ્રધાનના 'સ્વદેશી'ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ બે થીમના આધારે શ્રેષ્ઠ રીતે પંડાલ તૈયાર કરનાર જૂથને મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે. શહેર-જિલ્લામાં આ સ્પર્ધાના આયોજન અંતર્ગત સુરત મહાનગરપાલિકા કક્ષાએ ‘મહાનગરપાલિકાની સ્થાનિક અમલીકરણ સમિતિ’ બનાવવામાં આવી છે, જેમાં અધ્યક્ષ તરીકે મ્યુ. કમિશનર, સભ્ય સચિવ તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી અને સભ્યો તરીકે જિલ્લા શિક્ષણાધિકારી, નાયબ પોલીસ કમિશનર, શાસનાધિકારી અને એક આમંત્રિત સભ્યનો સમાવેશ કરાયો છે.
આ સ્પર્ધાનો હેતુ ગણેશોત્સવની ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવના, લોક કલાને પ્રોત્સાહિત કરવાનો છે. સુરતમાં વર્ષોથી ગણેશોત્સવ ભવ્યતાથી મનાવવામાં આવે છે, ત્યારે શહેરના તમામ ગણેશ મંડળોને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મ્યુ. કમિશનરએ અનુરોધ કર્યો હતો.
જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, પહેલો માળ, જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, નાવડી ઓવારા સામે, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતે ગણેશ પંડાલોના પ્રતિનિધિઓ ફોર્મ મેળવીને ભરેલા ફોર્મ અહીં જમા કરાવી શકશે
તા.૨૯મી ઓગસ્ટ-નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે શાળા-કોલેજોમાં નિબંધ, ચિત્ર સ્પર્ધા સહિત વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે: જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી
.
જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર તેમજ વૈશ્વિક સ્તરે ‘હોકીના જાદુગર’ તરીકે જાણીતા અને પદ્મભૂષણથી સન્માનિત મેજર ધ્યાનચંદના ભારતીય રમતગમતમાં અદભૂત યોગદાન બદલ તા.૨૯.ઓગષ્ટ- તેમના જન્મદિવસને ‘રાષ્ટ્રીય રમત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને તા.૨૯ ઓગસ્ટે સુરત જિલ્લાની શાળા-કોલેજોમાં નિબંધ, ચિત્ર સ્પર્ધા સહિત વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે. સાથે જ ૫૦ મી. દોડ, બીન બેગ બેલેન્સ, લીંબુ ચમચી, થ્રી લેગ રેસ, મિની ફૂટબોલ, હોકી/અન્ય મેચ, ટગ ઓફ વોર, દોરડા કૂદ, સંગીત ખુરશી, ફન રેસ, ટેનિસ બોલ ક્રિકેટ અને લંગડી સહિતની વિવિધ રમતોનું આયોજન કરાશે.
તેમણે કહ્યું કે, તા.૨૯ ઓગસ્ટે વેસુ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજ. યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા, કઠોરની વ.દે.ગલીયારા હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા, કામરેજની નવી પારડી સ્થિત વિદ્યામંગલ નિવાસી શાળા ખાતે જિલ્લા કક્ષાની જુડો(મહિલા) સ્પર્ધા યોજાશે. ૩૦મીએ જીવનભારતી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ જાગૃત્તિ સેમિનાર યોજાશે. તા.૩૦મીએ નાનપુરા સ્થિત જીવનભારતી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન કરાશે. તેમજ તમામ કાર્યક્રમોમાં ‘ફીટ ઇન્ડીયા’ પ્રતિજ્ઞા લેવામાં આવશે.
પો. કમિશનર અનુપમસિંહ ગહલોતે કહ્યું કે, નેશનલ સ્પોર્ટ્સ ડે-તા.૩૦ ઓગસ્ટે પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં તા.૩૧મીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ-વાય જંકશન-પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી ‘સન્ડે ઓન સાયકલ’ થીમ સાથે મેગા સાયકલોથોન રેલી યોજાશે. સુરત પોલીસ દેશી રમતો જેવી કે કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચની સ્પર્ધા સાથે બેડમિન્ટન, ટેનિસ જેવી સ્પોર્ટ્સની સ્પર્ધા પણ યોજશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે