અમરેલી , 22 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં વરસાદી વાતાવરણ વચ્ચે બે સિંહો ઘૂસતા ગ્રામજનોમાં ભારે ફફડાટ મચ્યો હતો. ગામની અંદર ઘૂસેલા આ સિંહોએ રાત્રિના સમયે અલગ–અલગ જગ્યાએ ઘુસી કુલ 8 પશુઓનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે.
માહિતી અનુસાર, રાત્રિના સમયે ગામની શેરીઓમાં સિંહો ફરે છે તેવા દૃશ્યો ગામના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયા છે. સિંહોને શિકાર કરતા તથા ગામની ગલીઓમાં ચક્કર લગાવતા જોઈને ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. પશુઓના શિકાર બાદ સિંહોએ લાંબા સમય સુધી ગામની આસપાસ મિજબાની માણી હોવાનું પણ જોવા મળ્યું.
સિંહોના આ હુમલાથી ગામના પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. રાત્રિ દરમિયાન ઘરમાં રહેલા ગ્રામજનોને બહાર નીકળવાની હિંમત ન રહી અને ઘણા લોકોએ આખી રાત જાગીને ગાળવી પડી હતી.
સાવરકુંડલા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં વારંવાર સિંહો ઘૂસવાની ઘટનાઓ બનતી રહે છે. શિકારની શોધમાં જંગલમાંથી બહાર આવતાં આ સિંહો ગામના પશુઓ પર તૂટી પડે છે. જેના કારણે ગ્રામજનોમાં ડર અને ચિંતા વ્યાપી રહી છે.
આ ઘટનાની જાણ વનવિભાગને કરાઈ છે અને સિંહોની હિલચાલ પર નજર રાખવા માટે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમ છતાં, સિંહો ગામમાં ઘૂસતા રહેશે તો ગ્રામજનોના જીવ-માલની સુરક્ષા માટે ગંભીર ચિંતા ઉભી થઈ છે.
મોટા ભમોદરા ગામમાં બનેલી આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે, માનવ–વન્યજીવન વચ્ચેનો અથડામણનો મુદ્દો હજી યથાવત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai