અમરેલી 22 ઓગસ્ટ (હિ.સ.)અમરેલી જિલ્લાનું જાફરાબાદ દરિયાકાંઠે દરિયાઈ તોફાન જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારમાં વાતાવરણ અચાનક ખરાબ થઈ ગયું છે. દરિયામાં ધોધમાર વરસાદ, જોરદાર પવન તથા ભયંકર કરંટ જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે જાફરાબાદ સહિત સમગ્ર કિનારે માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદની સૂચનાઓ આપવામાં આવી છે.
650 બોટ લાંગરાઈ, 70 બોટ દરિયામાંથી પાછી ફરી રહી
જાફરાબાદ દરિયાકાંઠે અંદાજે 650 જેટલી નાની-મોટી બોટોને લાંગરવામાં આવી છે. કિનારે આટલી મોટી સંખ્યામાં બોટો એકસાથે ઉભી રાખવાની ફરજ પડી છે, જેથી ખલાસીઓ અને બોટ માલિકોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. બીજી તરફ, 70 જેટલી બોટો હજુ દરિયાની અંદરથી પાછી કાંઠે આવી રહી છે, જેને કારણે તેમના પરીજનો તણાવમાં છે.
બે બોટ જળસમાધિ, સાત ખલાસીઓ લાપતા
વાતાવરણના બગાડ વચ્ચે મળતી માહિતી મુજબ, જાફરાબાદની જ બે બોટ દરિયાની ઉગ્રતા સામે ટકી ન શકતાં જળ સમાધિ થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં અંદાજે સાત જેટલા ખલાસીઓ લાપતા થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ ઉંચી લહેરો અને પવનના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી સર્જાઈ રહી છે.
કનૈયાલાલ સોલંકીની પીડા – “પાંચ બોટ હોવા છતાં હાલ કામ બંધ”
જાફરાબાદના માછીમાર કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે,
“હું જાફરાબાદનો જ રહેવાસી છું. મારી પાસે પાંચ બોટ છે અને માણસો દ્વારા દરરોજ માછીમારી કરવામાં આવે છે. પરંતુ હાલ દરિયાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પવન ઉકાઈ રહ્યો છે અને દરિયામાં કરંટ પણ ભારે છે. જેના કારણે અધિકારીઓએ તમામ બોટોને લાંગરવાની ફરજ પડી છે. આવક-જાવક સંપૂર્ણ બંધ છે.”
માછીમારોની ચિંતાઓ – આવક પર સંકટ
જાફરાબાદ સહિત સમગ્ર અમરેલી જિલ્લામાં હજારો પરિવારોની આજીવિકા સીધી માછીમારી પર આધારિત છે. વાતાવરણ ખરાબ બનતા દરિયાઈ ખેતી પર તાત્કાલિક બ્રેક લાગ્યો છે. માછીમારો જણાવે છે કે, એક-એક દિવસ બોટ દરિયામાં ન જાય તો આવક પર મોટું સંકટ ઊભું થાય છે. ખાસ કરીને રોજગારી માટે, માત્ર માછીમારી પર આધાર રાખતા પરિવારો હાલ અત્યંત મુશ્કેલીમાં મુકાયા છે.
તંત્રની ચેતવણી – “દરિયો ખતરનાક છે, કાંઠે જ રહો”
હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, હાલ અરબી સમુદ્રના કિનારે ભારે વરસાદ તથા જોરદાર પવન ચાલુ છે. દરિયામાં કરંટની તીવ્રતા એટલી વધી ગઈ છે કે નાની બોટો શું, મોટી બોટો પણ જોખમમાંથી પસાર થવાની શક્યતા છે. તંત્રએ તમામ ખલાસીઓને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે અને તમામ બોટોને કાંઠે જ રાખવા આદેશ કર્યો છે.
પરીવારજનોની ત્રાસદાયક રાહ
70 જેટલી બોટો હજુ દરિયામાંથી કાંઠે આવી રહી હોવાથી તેમના પરિવારજનો દરિયા કિનારે બેસીને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફોન સંપર્ક તૂટેલા હોવાને કારણે અનિશ્ચિતતાનો માહોલ છે. ખાસ કરીને જળ સમાધિ થયેલી બોટના ખલાસીઓ માટે પરીજનોની બેચૈની અને આક્રંદ વધતો જાય છે.
માછીમારોમાં ભય અને અનિશ્ચિતતા
દરિયામાં આવી અચાનક પરિસ્થિતિ સર્જાતા માછીમારોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ આવક ગુમાવવાનો ભય – બંને વચ્ચે માછીમારો મુશ્કેલીઓમાં મુકાયા છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક રાહત વ્યવસ્થા તથા બચાવ કામગીરી તેજ કરાઈ છે, પરંતુ વાતાવરણ શાંત ન થાય ત્યાં સુધી માછીમારીની શરૂઆત શક્ય નથી.
જાફરાબાદ દરિયાકાંઠે હાલ દરિયાઈ તોફાન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. 650 બોટ લાંગરાઈ છે, 70 બોટો કાંઠે આવતા માર્ગે છે અને બે બોટ જળસમાધિ થવાથી ખલાસીઓ લાપતા થયા છે. દરિયામાં કુદરતી વિપત્તિથી માછીમારોની જીંદગી અને રોજી-રોટી બંને પર ગંભીર સંકટ ઊભું થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai