પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.): પાટણ જિલ્લામાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધા-2025નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ સ્પર્ધાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.
સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદાન આપનાર પંડાલોને આકર્ષક રોકડ ઇનામોથી નવાજવામાં આવશે. પ્રથમ વિજેતાને રૂ. 5 લાખ, બીજા વિજેતાને રૂ. 3 લાખ તથા ત્રીજા ક્રમે આવનારને રૂ. 1.50 લાખનું ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રોત્સાહક ઇનામરૂપે પાંચ પંડાલોને રૂ. 1-1 લાખ આપવામાં આવશે.
મૂલ્યાંકન માટે પંડાલની શોભાવર્ધક સજાવટ, સામાજિક સંદેશ, ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા, દેશભક્તિ આધારિત થીમ, સ્થળની યોગ્ય પસંદગી તથા સ્થાનિક વહીવટી મંજૂરી જેવા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા પંડાલોની મુલાકાત લેવામાં આવશે અને અંતિમ પસંદગી કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરને મોકલાશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા આયોજકોને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પાટણથી ફોર્મ મેળવી 26 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 5 વાગ્યા સુધી જમા કરાવવાનું રહેશે. સાથે જ પંડાલના ફોટોગ્રાફ્સ તથા વીડિયોગ્રાફી પેન ડ્રાઇવમાં સબમિટ કરવી આવશ્યક રહેશે
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ