મોડાસા, 22 ઓગસ્ટ (હિ.સ.)આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ કેમ્પસમાં જિલ્લા વહીવટીતંત્ર-અરવલ્લી તથા મ.લા. ગાંધી મંડળના સંયુક્ત ઉપક્રમે અને જી.એમ.ઇ.આર.એસ બ્લડ બેન્ક, હિંમતનગરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો.આ પ્રસંગે મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ, ડો. ઘનશ્યામભાઈ શાહ તથા પિયુષભાઈ સહિત ભગીની સંસ્થાના તમામ આચાર્ય શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી,ડીક્યુએએમઓ ,એપેડેમિક મેડીકલ અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી-મોડાસાએ પણ કેમ્પની મુલાકાત લઈ પ્રોત્સાહન આપ્યું હતું.સમગ્ર કોલેજ કેમ્પસમાંથી 50 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ વિશેષ રક્તયજ્ઞમાં જિલ્લા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમનો ઉત્સાહ વધ્યો હતો.એકત્રિત થયેલ 50 યુનિટ રક્ત હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સંગ્રહિત કરવામાં આવશે, જેનો ઉપયોગ અરવલ્લી જિલ્લાના નવજાત શિશુઓ,અતિ જોખમી સગર્ભા માતાઓ, થેલેસેમિયા, કેન્સર પીડિતો જેવા વિવિધ જરૂરીયાતમંદ દર્દીઓને જીવનદાન આપવા માટે થશે.જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર અપિલ કરવામાં આવે છે કે વધુમાં વધુ લોકો રક્તદાન અભિયાનમાં જોડાઈએ,જરૂરતમંદ દર્દીઓને જીવનદાન આપીએ,સાચી માનવતા દાખવીએ.“રક્તદાન – માનવતાનું સર્વોત્તમ દાન”
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ