પૂર્વ કચ્છના 25 ગામડાંમાં 250 જેટલા સીસીટીવી કેમેરા લગવાયા
ભુજ - કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.): સલામત પૂર્વ કચ્છ અભિયાન અંતર્ગત વાગડ પંથકના સરહદને અડીને આવેલા બાલાસર તથા ખડીર પોલીસ મથક હેઠળનાં 25 ગામડાંમાં 250 જેટલા સોલાર સંચાલિત તથા જીવંત સહિતના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પુલવામા હુમલા બાદ નિર્ણય લેવાય
Cctv in east kachchh


ભુજ - કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.): સલામત પૂર્વ કચ્છ અભિયાન અંતર્ગત વાગડ પંથકના સરહદને અડીને આવેલા બાલાસર તથા ખડીર પોલીસ મથક હેઠળનાં 25 ગામડાંમાં 250 જેટલા સોલાર સંચાલિત તથા જીવંત સહિતના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

પુલવામા હુમલા બાદ નિર્ણય લેવાયો

પુલવામાં હુમલો અને તે બાદ બંને દેશ વચ્ચે વણસેલી પરિસ્થિતિ બાદ પોલીસે આ સરહદી વિસ્તારમાં ત્રીજી આંખ લગાવવાનું નક્કી કર્યું હતું. ભારત અને પડોશી મુલ્ક વચ્ચે વણસેલી પરિસ્થિતિ બાદ સરહદી વિસ્તારોમાં સતર્ક, ચોક્કસ રહેવા, શંકાસ્પદ હિલચાલને પારખવા માટે પોલીસે કમર કસી હતી. પૂર્વ કચ્છના વાગડ પંથકમાં આવતા બાલાસર અને ખડીર પોલીસ મથક હેઠળ આવતાં ગામડાં આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલાં છે. બાલાસરના 18 ગામડાંમાં સીસીટીવી કેમેરા લગાવવા પોલીસે કમર કસી હતી. પંચાયત અને દાતાઓના સહકારથી 18 ગામડાંના જાહેર ચોક, આવવા-જવાના મુખ્ય પ્રવેશદ્વાર, મુખ્ય માર્ગો ઉપર સોલાર સંચાલિત રાત્રિ દરમ્યાન પણ સરળતાથી બનાવને કેદ કરી શકે. 10 જેટલા કેમેરાનું જીવંત પ્રસારણ મોબાઇલમાં જોઇ શકાય તેવા કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ 18 ગામડાંમાં અત્યાર સુધીમાં 170 કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

સરહદી ધોળાવીરા, ખડીર વિસ્તાર પણ આવરી લેવાયો

ખડીરના સાત ગ્રામ્ય વિસ્તારમાં પણ દાતાઓના સહકારથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દિવાળીના સમયમાં ખડીર, ધોળાવીરા, રોડ ટુ હેવન વગેરે જગ્યાએ પ્રવાસીઓનો ધસારો રહેવાનો છે, ત્યારે દિવાળી પહેલાં મુખ્ય માર્ગો ઉપર એનપીઆર કેમેરા ગોઠવવામાં આવશે. માર્ગો પરથી પસાર થનારા તમામ વાહનોની નંબરપ્લેટ આ કેમેરામાં કેદ થઇ જશે. ધોળાવીરા વગેરે જગ્યાએ આવેલા રિસોર્ટમાં સીસીટીવી કેમેરા સંચાલકોએ લગાવ્યા છે. માર્ગ બાજુના બનાવો પણ કેદ થાય તે માટે પણ સંચાલકોને જણાવાશે. છેલ્લા ચાર મહિના દરમ્યાન સરહદીય એવા આ ગામડાંઓને કવર કરવામાં આવ્યાં છે.

લોકોએ 40જેટલા કેમેરા લગાવ્યા

આ વિસ્તારો સરહદી હોવાથી અહીં પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું પોલીસવડા સાગર બાગમારએ માધ્યમોને વિગતો આપતાં જણાવ્યું હતું. તેમજ છેવાડાના તથા વાગડ પંથકમાં મંદિરોમાંથી ચોરીના બનાવો બન્યા છે. આવા તમામ ધાર્મિક સ્થળોએ સંચાલકો સીસીટીવી કેમેરા ગોઠવે તેવી અપીલ તેમણે કરી હતી. ભચાઉનાં વાંઢિયા ગામમાં જાગૃત લોકોએ 40 જેટલા કેમેરા લગાવ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande