વડોદરા, 22 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો તથા સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વોટ ચોર, ગદ્દી છોડ જેવા નારા સાથે તેમણે ભાજપ સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં પોસ્ટરો તથા બેનરો લઈને સરકાર વિરુદ્ધ ઉગ્ર અવાજ ઉઠાવ્યો હતો. આ વિરોધ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન થયેલી કથિત ગેરરીતિઓ અને વોટ ચોરીના આરોપોને લઈને સરકાર સામે જનજાગૃતિ કરાવવાનો હતો. કોંગ્રેસના નેતાઓએ આરોપ મૂક્યો કે ભાજપે સત્તા કબજે રાખવા માટે મતદાન પ્રક્રિયામાં હેરફેર કરી હતી, જેના પરિણામે લોકશાહીની મૂલ્યો પર ઘાત થયો છે. તેમણે એવો દાવો કર્યો કે પ્રજાની સાચી ઈચ્છા અને મતદાનનો પ્રતિબિંબ પરિણામોમાં જોવા મળ્યો નથી.
ધરણા દરમિયાન કોંગ્રેસના પ્રવક્તાઓએ જણાવ્યું કે લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી એ સૌથી મહત્વપૂર્ણ સાધન છે અને તેમાં પારદર્શિતા હોવી અનિવાર્ય છે. જો ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ થશે તો સામાન્ય જનતા પોતાના મતાધિકારથી વંચિત રહી જશે અને આ લોકશાહીને કમજોર બનાવશે. કોંગ્રેસના કાર્યકરોએ ભારપૂર્વક કહ્યું કે આવા બનાવો સામે હવે મૌન સાધવાનું નહિ, પરંતુ રસ્તા પર ઉતરીને લડત આપવાની જરૂર છે. સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યા હતા જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો, જોકે નારાબાજી દરમિયાન કાર્યકરોના ઉત્સાહથી વાતાવરણ તંગ બન્યું હતું. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શન દ્વારા ફરી એકવાર ભાજપ સરકાર સામે નારાજગીનું સ્વર ઉઠ્યું અને આવનારા સમયમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya