સુરત, 22 ઓગસ્ટ (હિ.સ.)- દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. દ્વારા સચિન ગ્રામ્ય અને
ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓનું વિભાજન કરીને બનાવવામાં આવેલી નવીન સચીન
અર્બન તથા કનસાડ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓનું લોકાર્પણ વન અને પર્યાવરણ
રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
સચીન (કનકપુર)ના સિગ્નેચર હોલ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં વનમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સચિન ગ્રામ્ય અને
ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં વિસ્તારોમાં
ઔદ્યોગિક, રહેણાંક અને વાણિજ્યિક ક્ષેત્રમાં ગ્રાહકોની સંખ્યામાં
સતત વધારો થઈ રહ્યો છે, પરિણામે વીજળીની માંગ અને લોડ પણ સતત વધતા જાય છે.
ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના પણ આ વિસ્તારમાં અમલી બનાવાઈ
છે. સચિન ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીનો વિસ્તાર સુરત મહાનગરપાલિકામાં આવે છે, અને ખરવાસા
પેટા વિભાગીય કચેરીનો સમાવેશ પણ સુડા (સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)માં થયો છે.
આ
વિસ્તારમાં શહેરીકરણ, સુખસુવિધાઓમાં વધારો અને સ્થાનિક લોકોની આધુનિક
રહેણીકરણીમાં બદલાવના કારણે વીજમાંગ વધતા નવીન કચેરી ઉભી કરવામાં આવી છે, જેના કારણે
વીજગ્રાહકોને વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત સેવા મળશે તેમજ ગ્રાહકોની ફરિયાદોનું
ઝડપી નિવારણ થશે એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ વધુમાં કહ્યું કે,રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી 24 કલાક વીજળી મળે છે. રાજ્યમાં સાતત્યસભર વીજપૂરવઠો આપવા માટે રાજ્ય સરકાર
સતત કાર્યરત છે.
ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, ચોર્યાસી
વિધાનસભા વિસ્તારમાં ચાર હજાર કરોડના કામો પ્રગતિમાં છે. સરકાર દ્વારા રૂ.946 કરોડના ખર્ચે સુરત-સચિન-નવસારી સુધીનો 6 લેન રોડ મંજૂર કરવામાં આવ્યો છે, જે નિર્માણ
કાર્ય શરૂ થયા બાદ 30 મહિનામાં પૂર્ણ થઇ જશે. પરિણામે વાહનવ્યવહાર સરળ, સુગમ અને
થતા હજારો વાહનચાલકોને સુવિધા થશે.
મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, સુરતને
વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ અને જનસુખાકારી બદલ છેલ્લા દોઢ વર્ષમાં 6 રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. સુરત મિની ગુજરાત અને મિની ભારત છે. સુરત શહેર વિશ્વના 40 શહેરો સાથે વિકાસની સ્પર્ધા કરી રહ્યું છે. સ્થાનિક વિસ્તારના નાગરિકોની
સુવિધાઓમાં વધારો કરવા સુરત મનપા સતત કાર્યરત છે.
આ
પ્રસંગે જિ. પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય
ઈશ્વરભાઈ પરમાર, અગ્રણી કિશન પટેલ, કોર્પોરેટરો
ચિરાગસિંહ સોલંકી, હસમુખભાઈ, પિયુષાબેન, DGVCLના મુખ્ય
ઇજનેર એમ.જી.સુરતી, અધિક્ષક ઇજનેર બી.સી.ગોધાણી, DGVCL સુરત અર્બન
ડિવિઝનના કાર્યપાલક ઈજનેર કે.સી. ચૌધરી સહિત DGVCL ના
અધિકારી-કર્મચારીઓ, અગ્રણીઓ, નગરજનો ઉપસ્થિત
રહ્યા હતા.
નવીન કચેરીઓથી
વીજ ગ્રાહકોને થનાર લાભ
કનસાડ ગ્રામ્ય કચેરીમાં ઉંબેર, તલંગપોર, પાલી, કનસાડ અને
લાજપોર તેમજ સચીન અર્બનમાં પારડી, સચીન સુડા, કનકપુર, પોપડા, કછોલી, સામરોડ, કપલેથાનો
સમાવેશ થતા આ ગામોના વીજગ્રાહકોની સુવિધામાં વધારો થશે.
વધુ
સ્ટાફ ઉપલબ્ધ થતાં ફોલ્ટ રિરીપેર કામગીરી અને મેઇન્ટેનેન્સની કામગીરી ત્વરિત કરી
શકાશે. વીજ પુરવઠો અને વીજ બીલની ફરિયાદના નિવારણ માટે નજીકમાં કચેરી ઉપલબ્ધ થશે.
આવનાર સમયની વીજ માંગને ધ્યાને રાખીને નેટવર્ક બહેતર બનાવવાનું આયોજન કરી શકાશે.
નવી વિભાગીય
કચેરીઓનું સરનામું:
અગાઉ સચિન ગ્રામ્ય અને ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય
કચેરીઓ કાર્યરત હતી, જેનું વિભાજન કરીને નવી સચીન અર્બન તથા કનસાડ ગ્રામ્ય
પેટા વિભાગીય કચેરીઓ બનાવાઈ છે. આમ હવે કુલ 3 કચેરીઓ; સચીન અર્બન
તથા કનસાડ ગ્રામ્ય તેમજ ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓ કાર્યરત થઇ છે.જેનું
સરનામું: 5 થી7, સમર્પણ સ્કવેર, સનલાઈટ
સ્કૂલની બાજુમાં, સચીન
રહેણાંક, વાણિજ્યિક તેમજ
ઔદ્યોગિક વીજ પૂરવઠાની માંગ વધી
રહેણાંક, વાણિજ્યિક તેમજ
ઔદ્યોગિક વીજ પૂરવઠાની માંગ નોંધપાત્ર રીતે વધતા બંને કચેરીઓનું વિભાજન થયા બાદ
સચિન અર્બન પેટા વિભાગીય કચેરીમાં કુલ 30,128 વીજ
ગ્રાહકો, ખરવાસા પેટા વિભાગીય કચેરીમાં કુલ 22,082 અને
કનસાડ પેટા વિભાગીય કચેરીમાંથી કુલ 22,289 વીજ ગ્રાહકોને
સેવા પૂરી પાડવામાં આવશે. સચીન અર્બનનો વિસ્તાર ઘટીને અંદાજે 36 ચો.કી.મી, ખરવાસાનો 145 ચો.કી.મી અને કનસાડ નો 25 ચો.કિમી થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે