વડોદરા, 22 ઓગસ્ટ (હિ.સ.)વડોદરા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાસ કરીને પાદરા વિધાનસભા મતવિસ્તારના પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકનું અધ્યક્ષસ્થાન વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીએ કર્યું હતું, જેમાં જિલ્લા સ્તરના અધિકારીઓ, વિભાગીય વડાઓ તેમજ પાદરા મતવિસ્તારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગી, માર્ગોની જર્જરીત સ્થિતિ, આરોગ્યસુવિધાઓના અભાવ, શિક્ષણ ક્ષેત્રમાં ઉભી થતી સમસ્યાઓ તેમજ ખેડૂતોએ ઉઠાવેલા વીજ પુરવઠા સંબંધિત પ્રશ્નો મુખ્યત્વે ચર્ચામાં આવ્યા હતા. પાદરા વિસ્તારના લોકોએ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી સમયસર મળે તે માટે પૂરતા પગલાં ભરવાની માંગણી કરી હતી. સાથે જ આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની અછત તથા દવાઓની ઉપલબ્ધતા વધારવા માટે સૂચનો કરવામાં આવ્યા.
જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી. ખાસ કરીને માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોને ઝડપી ગતિ આપવાનો ભાર મૂકાયો. શિક્ષણ ક્ષેત્રે શાળા મકાનોની મરામત, નવી શાળાઓની સ્થાપના અને વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે આયોજન કરવાની ચર્ચા થઈ.
ખેડૂતોના પ્રશ્નોને લઇને પણ ચર્ચા કરાઈ જેમાં સિંચાઈ સુવિધા, વીજ પુરવઠો અને પાક વીમા યોજનાઓ અંગે વધુ અસરકારક અમલીકરણ કરવાની માંગણી ઉઠી. બેઠકના અંતે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે પ્રજાલક્ષી પ્રશ્નોનું નિરાકરણ પ્રાથમિકતા આધારે કરવામાં આવશે અને પાદરા મતવિસ્તારના સર્વાંગી વિકાસ માટે જિલ્લા પ્રશાસન પ્રતિબદ્ધ છે.
આ બેઠકને કારણે પાદરા વિસ્તારના રહેવાસીઓમાં આશાવાદી માહોલ સર્જાયો છે અને આગામી દિવસોમાં વિકાસલક્ષી યોજનાઓને વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya