વડોદરા, 22 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા રાજ્યવ્યાપી નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી પૂર્વે વિવિધ ક્રીડા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુક્રમે તા. ૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ઉજવાશે તેવી સ્પોર્ટ્સ ડેની પૂર્વસંધ્યાએ વડોદરા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા વાઘોડિયા રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ડબલ્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાયું હતું. આ ટુર્નામેન્ટમાં કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા મહેસુલી કર્મચારીઓની કુલ ૨૦ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધાના અંતર્ગત અનેક રસપ્રદ મુકાબલા યોજાયા હતા. અંતે ફાઇનલ મુકાબલો કલેક્ટરના પીએ તરીકે ફરજ બજાવતા પ્રજ્ઞેશ ગઢવી તથા અધિક ચિટનીશ શાખાના કારકૂન ધવલ ચૌધરીની જોડી અને આરટીએસ નાયબ મામલતદાર રવીન્દ્રસિંહ રાઉલજી તથા કરનસિંહ અંટાલિયાની જોડી વચ્ચે રમાયો હતો. બે સેટના કડક મુકાબલા બાદ પ્રજ્ઞેશ ગઢવી અને ધવલ ચૌધરીની જોડી ૨૧-૧૩ અને ૨૧-૧૯ના સ્કોરથી વિજયી બની હતી. વિજેતા જોડીનું સન્માન સુવર્ણ પદકથી કરવામાં આવ્યું જ્યારે દ્વિતીય ક્રમે રહેનાર રવિન્દ્રસિંહ રાઉલજી અને કરનસિંહ અંટાલિયાની જોડી ને રજત પદક એનાયત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ત્રીજા ક્રમ માટે થયેલા મુકાબલામાં હિમાંશુ પરમાર કૌશિક સુવાગિયા તેમજ જિજ્ઞેશ પરમાર વિકાસ પટેલની જોડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ દર્શાવેલી રમતોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને ટીમ સ્પિરિટ ઝળહળતો જોવા મળ્યો હતો. વડોદરા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા આયોજિત આ સ્પર્ધા કર્મચારીઓ વચ્ચે પરસ્પર સ્નેહ, સહકાર તથા સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ બની રહી હતી. આવનારા દિવસોમાં પણ આવા કાર્યક્રમો દ્વારા કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને રમતગમત પ્રત્યેનો ઉમળકો વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya