પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.): પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં, વારાહી નજીક માનપુરા ગામના પાટિયા પાસે એક અર્ટિગા કાર (નંબર MP-09 WJ 0279) અચાનક આગની લપેટમાં આવી ગઈ. ભુજથી આવી રહેલી કાર જ્યારે માનપુરા પાસે પહોંચી ત્યારે એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો.
થોડી જ વારમાં ધુમાડો જ્વાળામાં ફેરવાતાં કાર સંપૂર્ણ રીતે આગમાં ઘેરાઈ ગઈ. જોકે કારમાં સવાર ત્રણેય મુસાફરો સમયસૂચકતા દાખવી તરત જ બહાર નીકળી ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
આગ એટલી ભીષણ હતી કે કાર પૂર્ણપણે બળી ખાક થઈ ગઈ. ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા જ્યારે પોલીસે પણ તરત જ પહોંચી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ