ગીર સોમનાથ, 22 ઓગસ્ટ (હિ.સ.) દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં આધ્યાત્મિક અનુભવ અને પ્રાકૃતિક સૌંદર્યનું મિલન માણવા દૂર-સુદૂરથી પર્યટકો સોમનાથ ખાતે આવતાં હોય છે.
આ પર્યટકોને ઉત્તમ સુવિધા મળી રહે અને દાર્શનિક અનુભવ સાથે પ્રવાસન સુવિધા સુદ્રઢ બને એ માટે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વેરાવળ ખાતે ટૂર ઓપરેટર્સ રોડ શો સમિટ યોજાઈ હતી.
મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રવાસન ક્ષેત્ર વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. ગુજરાત એ જંગલ, દરિયો, રણ, પહાડ સહિતની નૈસર્ગિક પ્રકૃતિ ધરાવતું રાજ્ય છે. આવી જ રીતે ગીર સોમનાથ જિલ્લો પણ અફાટ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતાં ત્યારે વર્ષ ૨૦૦૬ને 'પ્રવાસન વર્ષ' તરીકે ઉજવવામાં આવ્યું હતું. ત્યારથી લઈ અત્યાર સુધી વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ પ્રવાસનના વિકાસને આગળ ધપાવવાના અવિરત પ્રયત્નો ચાલુ છે.અનેકવિધ વિકાસના પ્રકલ્પો સહિત પ્રથમ જ્યોતિર્લિંગમાં દાર્શનિક અનુભવ સાથે વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકાર કટિબદ્ધ છે. પ્રવાસન બજેટમાં વધારો કરી અને આધુનિક સગવડતાઓ સાથે પ્રવાસીઓનો અનુભવ ઉત્તમ બનાવવાનો ધ્યેય છે.
તાલાલાના શ્રી બાઈ આશ્રમ સહિતના પ્રવાસન સ્થળનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રેટર ગીર પ્રોજેક્ટમાં આસ્થાના કેન્દ્ર સહિત અનેક પ્રવાસન સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આસપાસના પ્રવાસન સ્થળોના વિકાસનો મુખ્ય ઉદ્દેશ સોમનાથ આવતાં પ્રવાસીઓ જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકા એમ આસપાસના જિલ્લાઓ પણ ફરી શકે અને વધુ દિવસો રોકાય એવી સુવિધાઓ વિકસાવવાની નેમ સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થાનોની પૂર્ણ સર્કિટમાં પ્રવાસ કરી શકે એવો ઉદ્દેશ્ય રહેલો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિકાસલક્ષી કામો અને યાત્રીલક્ષી સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાના પ્રયત્નોને મંત્રીએ બીરદાવ્યાં હતાં.
ટૂર ઓપરેટર્સના સૂચનોથી વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવી શકે અને વિસ્તૃતમાં અનેક મુદ્દાઓને આવરી શકાય છે એમ જણાવતાં મંત્રીએ ટૂર ઓપરેટર્સના સહયોગ થકી પ્રવાસનના વિકાસને વધુ વેગવંતા બનાવવાના સૂચનો પણ આવકાર્યા હતાં.
કમિશનર ઓફ ટૂરીઝમ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રભવ જોશીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વ ધરાવતાં સોમનાથની આસપાસના ત્રિવેણી, ભાલકા, ગીતામંદિર, પ્રોમિનેડ વૉક-વે, ગીર વિસ્તાર, બીચ, મ્યૂઝીયમ સહિતની જગ્યાઓને વધુ સુવિધાઓ વિકસીત કરવા તેમજ વધુમાં વધુ પ્રવાસીઓ આસપાસના સ્થળ તરફ આકર્ષિત થાય એવી દિશામાં પ્રયત્ન કરતાં ઈકો ટૂરિઝમ, ફાર્મ સ્ટે, પ્રવાસન ક્ષેત્રમાં વિકાસની સંભાવનાઓ, રાજ્ય સરકારની ભવિષ્યની પ્રવાસન નીતિઓ, સબસીડી સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃતપૂર્વક માહિતી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડેએ ટૂર ઓપરેટર્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સોમનાથને વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સાંસ્કૃતિક વિરાસતની દ્રષ્ટિએ અને પ્રવાસન ક્ષેત્રે સોમનાથમાં વિકાસની અપાર શક્યતાઓ રહેલી છે. હાલ દર વર્ષે આશરે એક કરોડ લોકો સોમનાથના દર્શનાર્થે આવે છે. જે સંખ્યા વધારીને ત્રણ કરોડ કરવાની નેમને સાર્થક કરવા સહિયારા પ્રયત્નો કરવાના છે. પ્રવાસીઓને આનંદ સાથે આહલાદક અનુભૂતિ મળે એ માટે ટૂર ઓપરેટર્સનું માર્ગદર્શન, સહયોગ અને ભાગીદારી પ્રાપ્ત થાય એવી અપીલ કરી હતી.
સોમનાથ મંદિરના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ સોમનાથ મંદિરનો ઈતિહાસ અને મહત્વ જણાવવાની સાથે જ પ્રવાસીઓના પરિવહન માટે રેલવે સ્ટેશન થી મંદિર સુધી નિઃશુલ્ક બસ સુવિધા, લાઈટ અને સાઉન્ડ શૉ, આધુનિક પાર્કિંગ પરિસર, લીલાવતી-મહેશ્વરી ભૂવન અને સાગરદર્શન સહિત રોકાણની સુવિધા, દિવ્યાંગ અને સીનિયર સીટિઝનો માટે ગોલ્ફકાર્ટની સુવિધા, વેબસાઈટ દ્વારા પૂજાવિધિ બૂકિંગ, મ્યૂઝિયમમાં દિવ્યાંગ લીપી અને ઑડિટોરિયમ સહિતની સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ અને પ્રકલ્પોની વિસ્તૃત માહિતી આપી હતી.
જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાયે પ્રવાસન ઉદ્યોગની દૃષ્ટિએ ગીર સોમનાથ, પ્રવાસન ઉદ્યોગમાંનો જી.ડી.પી.માં ફાળો, જિલ્લામાં પ્રવાસનથી આર્થિક યોગદાન, સોમનાથમાં ઈકો ટૂરિઝમ, રોજગારીની અપાર તકો, આસપાસના સ્થળોને સાંકળતી સર્કિટ ટૂરીઝમ,આર્થિક વૃદ્ધિમાં પર્યટકો અને પ્રવાસન ક્ષેત્રનું યોગદાન સહિત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'આઈકોનિક ડેવલપમેન્ટ ઓફ ગ્રેટર ગીર'માં સમાવેશ કરવામાં આવેલા જિલ્લાના પ્રવાસન સ્થળો તુલસીશ્યામ, દ્રોણેશ્વર, જમજીર અને બાઈ આશ્રમના વિકાસની વાત રજૂ કરી હતી.
હોટેલ એસોસિએશનના પ્રતિનિધિ મિલનભાઈ જોશી સહિત ટૂર ઓપરેટર્સે મંત્રીશ્રી સાથે સંવાદ સાધતાં પ્રવાસીઓને કસ્ટમાઈઝ પેકેજ્ડ, આસપાસના પ્રવાસન સ્થળની ટૂર સુવિધા, બજેટ હોટેલ્સ, આદ્રી બીચ ડેવલપમેન્ટની વાત રજૂ કરતા સોમનાથ આસપાસના પ્રવાસન સ્થળના વિકાસના અનુસંધાને પોતાના પ્રતિભાવો રજૂ કર્યો હતો.
આ સેમિનારમાં ઉપસ્થિત સર્વેએ પ્રવાસન વિભાગ દ્વારા ફિલ્માંકન કરેલી ગીર સોમનાથ જિલ્લાના આસપાસના દાર્શનિક સ્થળો, સ્તૂપ સહિતનાં સ્થાપત્યો સહિત આસપાસનાં પ્રવાસન સ્થળ આંબરડી સફારી પાર્ક, ભાલછેલ સનસેટ પોઈન્ટ, કમલેશ્વર ડેમ, જમજીર ધોધ તેમજ ખંભાલીડાની ગુફા, તળાજાની ગુફા, ગુજરાતની સામુદ્રિક જીવસૃષ્ટિ, ગુજરાતના પશુ-પક્ષીઓ જેવી જૈવ વિવિધતા ધરાવતી ટૂંકી ફિલ્મનું નિદર્શન નિહાળ્યું હતું.
આ સેમિનારમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત વિવિધ ટૂર ઓપરેટર્સ, હોમ સ્ટે સંચાલકો, હોટેલ ઈન્ડસ્ટ્રીઝ સંચાલકો, હોટેલ એસોસિએશનના સભ્યો અને પ્રવાસન સાથે સંકળાયેલા સ્ટેકહોલ્ડર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ