ગીર સોમનાથ, 22 ઓગસ્ટ (હિ.સ.) મુક્તાનંદબાપુની ઉપસ્થિતિમાં યજ્ઞ અને ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ કરાયો. ઉના નજીક દેલવાડા પાસે આવેલા ગુપ્ત પ્રયાગ મુકામે ત્રિદિવસીય મેળાનો આજે પ્રારંભ થયો છે. અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદબાપુની ઉપસ્થિતિમાં યજમાનો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તજનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
વાજતે-ગાજતે ધ્વજારોહણ કરવામાં આવ્યા બાદ મુક્તાનંદબાપુએ મેળાને ખુલ્લો મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, મેળાના આયોજન માટે સંપૂર્ણ વહીવટી મંજૂરી મેળવવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળાના પ્રથમ દિવસે રાત્રે લોક સાહિત્યકાર રાજભા ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉના, દીવ અને ગીર-ગઢડા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડે છે. અમાસના દિવસે ઉના શહેરના વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ રાખીને મેળામાં આવે છે. એસટી વિભાગ દ્વારા મેળા માટે ખાસ બસ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેળાનું વિશેષ મહત્વ એ છે કે અહીં લોકો પિતૃઓના મોક્ષાર્થે દીવો પ્રગટાવી પીપળે જળ અર્પણ કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ