પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણએ અભ્યાસક્રમ સમયસર પૂર્ણ ન કરી શકેલા વિદ્યાર્થીઓને રાહત આપી છે અને તેમને પરીક્ષા આપવા વધારાની તક આપવાનો નિર્ણય કર્યો છે.
યુનિવર્સિટીએ 22 ઓગસ્ટથી સ્નાતક સેમેસ્ટર 1, 3 અને 5ની પરીક્ષાઓ શરૂ કરી છે. પ્રથમ દિવસે પાટણની ટીએસઆર કોમર્સ કોલેજ ખાતે ત્રણ સેશનમાં પરીક્ષાઓ યોજાઈ, જેમાં કુલ 891 વિદ્યાર્થીઓએ 14 અલગ બ્લોકમાં પરીક્ષા આપી.
પરીક્ષા નિયામક મિતુલભાઈ દેલીયાના જણાવ્યા મુજબ, સ્નાતક સેમેસ્ટર 2, 4 અને 6ની પરીક્ષાઓ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. અનુસ્નાતક સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષાઓ 26 સપ્ટેમ્બરથી યોજાશે. આ સમગ્ર પરીક્ષા શ્રેણીમાં અંદાજે 4000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ