ભુજમાં ચાતુર્માસ: 145 જેટલી અઠ્ઠમતપની વિક્રમી આરાધના
ભુજ - કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.): ભુજમાં છ કોટિ સંઘના જૈન ભવન ખાતે ચાતુર્માસે બિરાજતા અજરામર સંપ્રદાયના આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનાં સાંનિધ્યમાં જૈનાચાર્ય અજરામરજી સ્વામીનો 211મો ચરમોત્સવ 145 જેટલી અઠ્ઠમતપની વિક્રમી આરાધના, ત્રણ માસખમણ, 17 સિદ્ધિતપ તથા છઠ
ભુજમાં ચાતુર્માસનો ધાર્મિક કાર્યક્રમ


ભુજ - કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.): ભુજમાં છ કોટિ સંઘના જૈન ભવન ખાતે ચાતુર્માસે બિરાજતા અજરામર સંપ્રદાયના આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનાં સાંનિધ્યમાં જૈનાચાર્ય અજરામરજી સ્વામીનો 211મો ચરમોત્સવ 145 જેટલી અઠ્ઠમતપની વિક્રમી આરાધના, ત્રણ માસખમણ, 17 સિદ્ધિતપ તથા છઠ્ઠથી અઠ્ઠાઇ સુધી અનેક તપસ્યા કરી ગુરુભક્તિ ઉજાગર કરવામાં આવી હતી.

નવ લાખ જાપનું પણ આયોજન કરાયું

અજરામર મંત્રના નવ લાખ જાપનું આયોજન પણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગુરુભક્તો જોડાયા હતા. અજરામર જૈન પાઠશાળાનાં બાળકો તથા શિક્ષિકાએ અજરામરજી સ્વામીનું જીવનદર્શન રૂપક રજૂ કર્યું હતું. સાધ્વી કોમલકુમારીજીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. દર્શનમુનિએ કાર્યક્રમનું મંગલાચરણ કરાવ્યું હતું. વિવેકમુનિએ સંચાલન કરતાં ગુરુ ગુણ ગરિમાના વિવિધ પાસાં રજૂ કર્યાં હતાં.

ઉછામણીનો લાભ ભાવિકોએ લીધો

અજરામરજી સ્વામીની મંત્રસિદ્ધ, છબીની ઉછામણીનો લાભ ઉર્મિલાબેન દિનેશભાઇ શાહ પરિવારે, માતા રમીલાબેન, જ્યારે જીવનચરિત્રની પોથીનો લાભ મનીષભાઇ મોરબિયા, કમળાબેન શશિકાંત મોરબિયા પરિવારે લીધો હતો, જેની બોલી સંચાલન સમિતિના જગદીશભાઇ મહેતાએ બોલાવી હતી. ગચ્છાધિપતિ ભાવચંદ્રજી સ્વામીએ પૂજ્ય અજરામરજી સ્વામીનાં જીવનનું દર્શન, ભાવવાહી રસદર્શન કરાવ્યું હતું. છોટે ગુરુદેવ વિમલમુનિ તથા ડો. ચિંતનમુનિ ઉપસ્થિત રહ્યા હતા. ફરસાણી દુનિયાવાળા નવીનભાઇ ઠક્કરે મંગલ ભાવ પ્રસાદનો લાભ લીધો હતો. સંચાલન સમિતિના જિજ્ઞેશ શાહ, પ્રફુલ્લ દોશી, શીતલ શાહ, વસંત ખંડોલ, દેવેન દોશી, નરેશ મહેતા, જયેશ શાહ તથા વનેચંદ મેતાએ જહેમત ઉઠાવી હતી. અઠ્ઠમના પારણાનો લાભ ધરિત્રીબેન ધીરેન શાહ દ્વારા લેવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande