જૂનાગઢ 22 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની સરકારી કચેરીઓના વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો, વ્યવસ્થા, સુરક્ષા જળવાઈ રહે, તે હેતુસર સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓના વિસ્તારમાં અત્રે જણાવ્યા અનુસારના કૃત્યો ના કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં જણાવ્યા અનુસાર કોઈપણ વ્યક્તિએ જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં આવેલ કોઈપણ સરકારી કચેરીના પરિસરમાં ઉપવાસ કે ધરણાં પર બેસવું નહીં. જાહેર સુલેહ શાંતિ જોખમાય તે રીતે સૂત્રોચ્ચાર કરવા નહીં. કોઈપણ વ્યક્તિએ લાઠી અગર ઈજા થાય તેવા હથિયારો સાથે રાખીને પ્રવેશ કરવો નહીં.
કોઈપણ પ્રકારના વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો રાખી શકાશે નહીં. ચાર કે તેથી વધુ વ્યકતિઓએ ભેગા થવું નહીં કે અતિક્રમણ કરવું નહીં. સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી, કચરો કરવો નહીં તે અંગેનું મનાઇ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.પટેલ, જૂનાગઢને મળેલી સત્તાની રૂએ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ તાત્કાલિક અસરથી આગામી તારીખ ૧૪/૧૦/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ નિયમ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ