વડોદરા 22 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા નજીક આવેલી લેન્ડફિલ સાઈટને લઈને સ્થાનિક રહીશો અને દુકાનદારોમાં ભારે અસંતોષ ફેલાયો છે. શહેરના મધ્ય ભાગમાં આવેલી આ સાઈટના કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ, ગંદકી અને આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓ ઉભી થઈ રહી છે. દૈનિક જીવનમાં આવતી આ મુશ્કેલીઓથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ વિસ્તાર વ્યાપાર માટે મહત્વપૂર્ણ છે. અહીં દુકાનો, બજારો તથા આવાસ વિસ્તારો પણ મોટા પ્રમાણમાં આવેલા છે. લેન્ડફિલ સાઈટના કારણે અહીં સતત દુર્ગંધ ફેલાય છે, જેના કારણે ગ્રાહકો આવવાનું ટાળે છે. આથી વેપારીઓને આર્થિક નુકસાન પણ સહન કરવું પડી રહ્યું છે. બીજી તરફ, કચરાના ઢગલાઓના કારણે મચ્છર, માખી અને અન્ય જીવાતોનું પ્રમાણ વધી ગયું છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમરૂપ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં બીમારીઓ ફેલાવાનો ભય વધુ રહ્યો છે.
સ્થાનિકોએ અનેક વખત વડોદરા મહાનગરપાલિકાને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે. તેઓએ માગણી કરી છે કે કિશનવાડી વિસ્તારમાંથી તાત્કાલિક લેન્ડફિલ સાઈટને દૂર કરવામાં આવે અથવા તેના સંચાલન માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે. તેમ છતાં હજુ સુધી કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે રહીશો તથા દુકાનદારોમાં નિરાશા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે.
લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, વિકાસના નામે શહેરી વિસ્તારોમાં આવી અસુવિધાજનક સુવિધાઓ ઉભી કરવી એ યોગ્ય નથી. જો સમયસર નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તેઓ વધુ કડક વિરોધ કાર્યક્રમો હાથ ધરવા માટે મજબૂર બનશે. વડોદરા મહાનગરપાલિકાએ આ પ્રશ્નને તાત્કાલિક ગંભીરતાથી લઈને નાગરિકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડે તેવું લોકોનું આગ્રહ છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya