પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.): રાધનપુર શહેરમાં સામાન્ય વરસાદે નગરપાલિકાની બિનકાર્યક્ષમતા છતી કરી છે. શહેરના મુખ્ય બજાર માર્ગથી હાઇવે ચોકડી અને બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો ઢીંચણ સમાન ખાડાઓથી ભરાયો છે, જેના કારણે વાહન ચાલકો અને દ્વિચક્રી સવારો અકસ્માતના જોખમ સાથે પસાર થવા મજબૂર થાય છે. આ રસ્તો રેફરલ હોસ્પિટલ, સરકારી શાળાઓ, બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન, DYSP કચેરી અને નાયબ કલેક્ટર નિવાસને જોડતો હોવાથી દરરોજ હજારો લોકો પરેશાની અનુભવે છે.
નગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ હકિકતમાં આ કામગીરી માત્ર કાગળ પૂરતી જ રહી હોવાનું બહાર આવ્યું છે. રસ્તાઓની મરામત દેખાવ પૂરતી કરવામાં આવી હતી અને થોડા વરસાદે જ માર્ગની ખરાબ હાલત બહાર આવી ગઈ.
ખરાબ રસ્તાઓને કારણે દુકાનદારોના વેપારમાં ઘટાડો થયો છે, કારણ કે પાણી ભરાવા અને ઊંંચા-નીચા માર્ગના કારણે લોકો બજારમાં આવવાનું ટાળી રહ્યા છે. ખાડાઓમાં ભરાયેલા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિક નગરસેવક જયાબેન ઠાકોરે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રસ્તાની મરામત નહીં થાય તો લોકો રસ્તા રોકો આંદોલન અને ભૂખ હડતાળ જેવા વિરોધ પ્રદર્શન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ