પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.): પાટણ જિલ્લાના વારાહી ખાતે સરપંચની ચૂંટણીના રાજકીય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. 24 વર્ષીય મોહમંદ મુનિરખાન મલેક પર ત્રણ શખ્સોએ રસ્તામાં હુમલો કર્યો. મુનિરખાન પોતાની મોટરસાયકલ રિપેર કરવા નેશનલ હાઈવે પરના હીરો શોરૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઘટના બની.
બે બાઇક પર આવેલા આસિફખાન ઉર્ફે માયા રસુલખાન મલેક, આબીદખાન રસુલખાન મલેક અને મોઈનખાન રહીમખાન મલેકે તેમને અટકાવી ઝઘડો કર્યો. સરપંચની ચૂંટણીમાં વિરોધના મુદ્દે આબીદખાને લોખંડની સળિયાથી મુનિરખાનના હાથના કાંડા પર પ્રહાર કર્યો હતો, જ્યારે આસિફખાન અને મોઈનખાને મોટરસાયકલની ચેન વડે તેમની પીઠ પર માર માર્યો.
હુમલા દરમ્યાન આરોપીઓએ પીડિતનો વીડિયો અને ફોટા પાડ્યા હતાં તેમજ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો પણ ભંગ થયો છે. વારાહી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 118(1), 351(3), 296(બી), 54 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ