પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.)સાંતલપુર તાલુકાના બકુત્રા ગામના 22 વર્ષીય ભરતભાઈ માદેવભાઈ આહીર પર ઓનલાઇન કામગીરીના મનદુખને કારણે છ વ્યક્તિઓએ જીવલેણ હુમલો કર્યો હતો. 20 ઓગસ્ટની રાત્રે પોણા આઠ વાગ્યે તેઓ બે સાથીદારો સાથે મોટરસાયકલ પર સાંતલપુર જઈ રહ્યા હતા ત્યારે કલ્યાણપુરા ગામ નજીક કચ્છ બ્રાંચ કેનાલના પુલ પાસે આરોપીઓ બોલેરો કેમ્પર અને બ્રેઝા ગાડીઓ સાથે રાહ જોયા બેઠા હતા અને તેમણે મોટરસાયકલને ટક્કર મારી પાડી દીધી હતી.
આરોપીઓમાં પ્રવિણભાઈ જીવાભાઈ, શૈલેષભાઈ પાતાભાઈ, વિરમભાઈ દેવાયતભાઈ, મહેશભાઈ પાતાભાઈ (બધા બકુત્રા ગામ) તેમજ કિરણભાઈ અને કિશનભાઈ દલાભાઈ આહીર (બાવરડા ગામ)નો સમાવેશ થાય છે. ટક્કર બાદ કિરણભાઈએ ફરિયાદીને પકડી રાખ્યો હતો ત્યારે શૈલેષભાઈએ ધારિયાથી તેની આંગળી પર ઘા કર્યો હતો. સાથે સાથે પ્રવિણભાઈ અને વિરમભાઈએ લાકડીઓ વડે પગ અને હાથ પર માર્યો હતો.
ફરિયાદી જમીન પર પડી જતા તમામ શખ્સોએ આડેધડ હુમલો કર્યો હતો અને બચાવ કરવા આવેલા સાથીદારોને કિશન તથા મહેશે પકડી રાખ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. બનાવને પગલે સંતલપુર પોલીસે, હથિયારબંધ જાહેરનામાનો ભંગ સહિત બી.એન.એસ.કલમો 118(1), 115(2), 189(2), 191(2), 191(3), 190, 296(બી), 351(3) અને જી.પી.એક્ટ કલમ 135 હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ