પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લામાં લોકોની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 37(1) અન્વયે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા હથિયાર બંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. સમગ્ર પોરબંદર જિલ્લા પોલીસ વિસ્તારમાં તા.23/08/2025 થી તા.20/09/2025 સુધી બંને દિવસો સહિત શસ્ત્રો, તલવાર, ભાલા, બંદુક, ખંજર તથા સામાન્ય રીતે રામપુરી બનાવટ વાળા કોઈ પણ જાતના છરી કે છરી જેવું હથિયાર વળે નહી તેવું, છેડેથી અણીવાળુ પાનુ હોય તેવી છરી સાથે રાખી ફરવાની અથવા તેવી કોઈ બીજી ચીજ લઈ જવા પર પ્રતિબંધ કરાયો છે.
કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા નહી તેમજ પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેકવાથી અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવા નહી અને એકઠા કરવા નહી.તથા તૈયાર કરવા નહી. અને કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવા પર પ્રતિબંધ કરાયો છે.
વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળાં દેખાડવા કે સળગાવવા નહી. અને જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજય ઉથલી પડવાની સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વિગેરે કરવાની અથવા તે ચિત્રો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવા પ્રતિબંધ કરાયો છે.
આ હૂકમ સરકારી નોકરીમાં કામ કરતી કોઈ વ્યકિત કે જેના ઉપરી અધિકારીશ્રીએ કરમાવ્યું હોય અથવા કોઈ હથિયાર લઈ જવાનું તેની ફરજમાં હોય તેવી વ્યકિતઓને હથિયાર લઈ જવાની બાબત માટે તેમજ પોતાની ખેતીમાં ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય અને રોજિંદા કામમાં ઉપયોગ કરી શકે તેવા આશયથી પોતાની ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જતા હોય તેવા ખેડૂતોને ખેતીના ઓજારો લઈ જવાની બાબત માટે લાગુ પડશે નહિ.આ જાહેરનામાંના કોઈ ખંડનો ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ 135(1) મુજબ એક વર્ષની મુદત સુધીની શિક્ષા અને દંડને પાત્ર થશે. આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ ગુન્હો સાબિત થયે તે વ્યક્તિને છ માસની સાદી કેદ અથવા રૂા.2,500/-સુધીના દંડ અથવા બન્ને શિક્ષા થઈ શકે અને હુકમની અવગણનાથી માનવજીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતી માટે કોઈપણ ભય ઉત્પન્ન કરે અથવા કોઈ હુલ્લડ કરે કે બખેડો કરે તો તેવી વ્યક્તિને એક વર્ષની કેદ અથવા રૂ.5000/- પાંચ હજાર સુધીના દંડ સહિતની બન્ને શિક્ષાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya