પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા પોરબંદર જન્માષ્ટમી લોકમેળાના અવસરે તા. 15થી 24 ઓગસ્ટ 2025 દરમ્યાન ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સરસમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સરસમેળા દ્વારા મહિલાઓને તેમની હસ્તકલા, ઘરેલુ ઉદ્યોગ અને પરંપરાગત કારીગરીને પ્રદર્શિત કરવાની તેમજ વેચાણની તક પ્રાપ્ત થઈ રહી છે, જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળી રહ્યો છે.આ અવસરે જામનગર જિલ્લાના બેડ ગામના વતની પૂરીબેન નાગસ પણ પોતાના “રાધે મહિલા જૂથ સખી મંડળ”ની ટીમ સાથે પોરબંદર સરસમેળામાં જોડાયા છે. પુરીબેન જણાવે છે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી સખી મંડળ સાથે સક્રિય રીતે જોડાયેલા છે તેમજ પોરબંદર ખાતે યોજાયેલા આ સરસમેળામાં તેમનો પહેલો અનુભવ અત્યંત અનોખો અને અભૂતપૂર્વ રહ્યો છે. રાધે મહિલા જૂથ સખી મંડળના બહેનો દ્વારા ખાસ કરીને સ્થાનિક રબારી ભરતકામ, રબારી મીરર વર્ક, સાંખીયું, પડદો, ચાકડો, ગોદળુ અને કલરફૂલ ધળકી જેવી પરંપરાગત લોકકલા પ્રદર્શિત કરીને આર્થિક રીતે સદ્ધર બન્યા છે. આ તમામ હસ્તકલા સંપૂર્ણપણે હાથ વડે જ કરવામાં આવે છે, પરંતુ તેની ફિનિશિંગ મશીનરી કામની સરખામણીમાં પણ ઓછી નથી.
વધુમાં પુરીબેન જણાવે છે કે, ગ્રામ્યકક્ષાએ જ્યારે તેઓ પોતાની સ્થાનિક હસ્તકલા પ્રદર્શીત કરતા હતા ત્યારે મુખ્ય બજારના જોડાણના અભાવે વેચાણ ઓછું થતુ હતુ પરંતુ સરસમેળા થકી હવે વિવિધ સ્થળો પર સ્ટોલ થકી વેચાણ પણ વધ્યુ છે. સરકાર દ્વારા સરસમેળામાં ભાગ લેનાર બહેનોને સ્ટોલ, રહેવા, જમવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને શરૂઆતના ત્રણ દિવસોમાં જ રૂ. 50,000 થી વધુનુ વેચાણ થયુ છે. આ બદલ પૂરીબેન નાગસ દ્વારા સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી સ્તરે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે રચાયેલા “સખી મંડળો” એ મહિલાઓના સ્વ-સહાય જૂથો છે. આ મંડળો દ્વારા મહિલાઓને વિવિધ વ્યવસાયિક તાલીમ, આર્થિક સહાય અને બજાર સુધી પહોંચની સુવિધા આપવામાં આવે છે. આજદિન સુધી હજારો મહિલાઓ આ મંડળો સાથે જોડાઈને નાના-મોટા વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની છે.
સરકારની મહિલા સશક્તિકરણ માટેની પહેલ અંતર્ગત મહિલા સશક્તિકરણ નીતિ, સખી મંડળોને લોન અને સહાય, પ્રશિક્ષણ કાર્યક્રમો તથા સરસમેળા-પ્રદર્શનીઓમાં ભાગ લેવાની તક જેવી અનેક પ્રવૃત્તિઓ અમલમાં મુકવામાં આવી છે. આવા મેળા દ્વારા રાજ્ય સરકાર મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કરી તેમને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya