પોરબંદર, 22 ઓગસ્ટ (હિ.સ.): થોડા સમય પહેલા રાણાવાવ તાલુકાના ખીજદળ ગામે 6 જેટલા શખ્સોએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી લાખોની મત્તા લૂંટી હતી જે મામલે ફરિયાદ દાખલ થયા બાદ પોરબંદર પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી લૂંટમાં ગયેલો પુરેપુરો મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા મકાન માલિકના સગાએ જ લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.
ત્યારે ગણતરીના સમયમાં જ ગુનનો ભેદ ઉકેલાયો અને 100% મુદ્દામાલ સાથે તમામ આરોપીઓને ઝડપી પાડવા જેવી સરાહનીય કામગીરીથી રાણાકંડોરણા અને ખીજદળના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસની ઝડપી કામગીરીને બિરદાવી હતી.
પોરબંદર પોલીસ દ્વારા આ ધાડના ગુનામાં ઝડપાયેલા આરોપીઓના ગુનાહિત ઈતિહાસ તપાસતા જાણવા મળ્યું હતું કે આ કુલ 8 માંથી 5 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઈ શકે તેમ છે જેથી પોલીસે કોઈ પણ સંકોચ રાખ્યા વિના પાંચે આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરી હતી. પોરબંદર પોલીસની આ સરાહનીય કામગીરીથી ખીજદડ તથા રાણા કંડોરણા ગામના આગેવાનોએ ગત તા. 21 ઓગસ્ટના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાને સાલ ઓઢાળી ફુલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા. તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ પોરબંદર જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓની આ મુલાકાત દરમિયાન એસ.પી. જાડેજાએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસ હંમેશા સતર્ક જ છે તેવી ખાતરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya