પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.): પાટણમાં મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે 29થી 31 ઑગસ્ટ સુધી નેશનલ સ્પોર્ટ્સ ડેની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ સ્થળોએ રમતો અને સ્પર્ધાઓ યોજાશે.
પ્રથમ દિવસે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાટણ ખાતે રમતોનું નિદર્શન, બીજા દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમતોનું આયોજન અને ત્રીજા દિવસે વહેલી સવારે રમત ગમત સંકુલથી પોલીસ હેડક્વાર્ટર સુધી સાયકલ યાત્રા યોજાશે. આ અવસરે દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક, વોલીબોલ, કુશ્તી, બેડમિંટન, રસ્સાખેંચ, સાતોડિયું, લીંબુ ચમચી અને સંગીત ખુરશી જેવી સ્પર્ધાઓ યોજાશે.
જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટએ જણાવ્યું કે ગુજરાતમાં ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતો યોજાવાની શક્યતા છે. તેમણે લોકોને રમતગમતની પ્રવૃત્તિમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ