મોડાસા, 22 ઓગસ્ટ (હિ.સ.)મેજર ધ્યાનચંદના જન્મદિન-‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં ત્રણ દિવસ સુધી વિવિધ સ્પોર્ટસ્ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને જણાવ્યું હતું કે, મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસ - ૨૯ ઓગસ્ટની ‘નેશનલ સ્પોર્ટસ્ ડે’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે રાજકોટ શહેર-જિલ્લામાં ૨૯થી ૩૧ ઓગસ્ટ સુધી વિવિધ સ્પોર્ટસ્ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૨૯મી ઓગસ્ટે, અરવલ્લી જિલ્લાની દરેક શાળામાં પણ ખેલ-કૂદની સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓ થશે. જે અંતર્ગત શાળાઓમાં હોકી, કબડ્ડી, ખો ખો, ગિલ્લીડંડા, લગોરી, સતોડિયુ, દોડ સ્પર્ધા, રસ્સાખેંચ જેવી વિવિધ રમતો યોજાશે.
તા ૩૦મી ઓગસ્ટે નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા વૉલીબૉલ, રસ્સાખેંચ, દોડ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા સહિતની રમતો યોજાશે.જેમાં પોલીસ વિભાગ, જિલ્લા પંચાયત તથા જિલ્લા સેવા સદનની વિવિધ ટીમો રમતમાં જોડાશે.
તા ૩૧ મી ઓગસ્ટે ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અન્વયે સવારે ૭.૦૦ કલાકે મોડાસા શહેરના ઓધારી તળાવથી ટાઉનહોલ, ચાર રસ્તાથી ગાય સર્કલથી સહયોગ ચાર રસ્તાથી પરત ઓધારી તળાવ સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે. આ તમામ રમતો અને સાયકલ રેલીમાં જાહેર જનતાને જોડાવા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી.
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેક્ટર ડી.વી.મકવાણા , જિલ્લા રમત વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ