સુરત, 23 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા કાપડના વેપારીને બે ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. બંને ઈસમોએ વેપારીને સસ્તા ભાવમાં સાડીના સ્ટોન આપવાની લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 17.21 લાખ પડાવી લીધા હતા અને બાદમાં સ્ટોન નહીં આપી ફોન બંધ કરી બંને ઠગબાજ પલાયન થઈ ગયા હતા. જેથી વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અમરોલી વિસ્તારમાં કોસાડ રોડ પર રજવાડી પાર્ટી પ્લોટની સામે આવેલ સ્ટાર હોમ રેસીડેન્સીમાં રહેતા સંજયભાઈ મગનભાઈ દેવાણી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તારીખ 20/4/2025 પહેલા તેઓ પિયુષભાઈ રમેશભાઈ વસાણી અને લલીતભાઈ પ્રાગજીભાઈ સાવલિયા (રહે. ધરમ નગર સોસાયટી અશ્વિનીકુમાર ધર્મશાળા નજીક વરાછા) ના સંપર્કમાં આવ્યા હતા. બંને આરોપીઓએ ભેગા મળી સંજયભાઈને વિશ્વાસમાં લઈ ફુદા કંપનીના સાડીના સ્ટોન સસ્તા ભાવમાં આપવાની લાલચ આપી હતી. સંજયભાઈ પણ તેની વાતોમાં ભોળવાઈ ગયા હતા અને સ્ટોન ખરીદવા માટે તૈયારી બતાવી હતી. જેથી પિયુષ અને લલિતે ભેગા મળી સંજયભાઈ પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા 17.21 લાખ પચાવી પાડ્યા હતા જોકે બાદમાં સ્ટોનનો માલ ન મોકલી ફોન પણ બંધ કરી બંને પલાયન થઈ ગયા હતા. જેથી સંજયભાઈ ને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેઓએ ગતરોજ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કતારગામ પોલીસે પિયુષ વસાણી અને લલિત સાવલિયા સામે રૂપિયા 17.21 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે