ગાંધીનગર, 23 ઓગસ્ટ (હિ.સ.): આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે. આ અભિયાનનો ઉદ્દેશ ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે. જે સેવા, સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે. આ અભિયાનમાં પ્રધાનમંત્રી જનજાતિય આદિવાસી મહા અભિયાન (PM-JANMAN) અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે. આ અભિયાન આદિજાતિ મંત્રાલય (MoTA) દ્વારા સંચાલિત છે. આ અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશી નેતૃત્વનું પરિણામ છે.
આદિજાતિ વિકાસ નિયામક આશિષકુમારની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એક દિવસીય આદિ કર્મયોગી - રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ-વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધી લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આદિક કર્મયોગી રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ અંગે સંવેદનશીલ બનાવવા અને આ કાર્યક્રમ પ્રત્યે માહિતગાર કરવાનો હતો. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટના ૭૦ થી વધુ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અભિયાન આદિવાસી નાગરિકોને વિકાસના સક્રિય સહ-નિર્માતાઓમાં રૂપાંતરિત કરવાના છે. આ અભિયાન આદિવાસી શાણપણ અને આકાંક્ષાઓમાં મૂળભૂત પ્રણાલીઓ અને લોક કેન્દ્રિત શાસન વ્યવસ્થાઓને સંસ્થાકીય બનાવવાનો પ્રયાસ કરે છે. આ અંતર્ગત સેવાઓનું સાર્વત્રિક એક્સેસ, પ્રતિભાવશીલ સંસ્થાઓ, સશક્ત સમુદાયો અને સહભાગી આયોજનો દ્વારા વિકાસશીલ પરિણામોને પ્રાથમિકતા આપે છે. જેમાં ટકાઉપણું, જવાબદારી, છેલ્લા માઈલ ડિલિવરીને સુનિશ્ચિત કરવા માટે ગ્રામ્ય સ્તરના સંસ્થાકીય પદ્ધતિઓ સાથે ક્ષમતા નિર્માણને એકીકૃત કરે છે.
PM-JANMAN અને DA-JGUA આદિ કર્મયોગી અભિયાન સાથે સંકલિત છે. તેનો હેતુ દેશભરમાં ૨૦ લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે. આ અભિયાનમાં ૦૧ લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ, ૩,૦૦૦ આદિવાસી તાલુકાઓ, ૫૫૦ થી વધુ આદિવાસી જિલ્લાઓ, ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં સવિશેષ વસ્તી ધરાવતા ૧૫ જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪૨૪૫ ગામડાઓમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવનાર છે. આ મિશન બહુ વિભાગીય સંકલનને પ્રેરિત કરે છે, સહભાગી શાસનને વધુ ગાઢ બનાવે છે અને નીચેથી ઉપર, લોકો દ્વારા સંચાલિત શાસન પ્રણાલી દ્વારા જાહેર સંસ્થાઓમાં વિશ્વાસ પુનઃ નિર્માણ કરે છે.
આ અભિયાનમાં ભારતના ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસવાટ કરતા ૧૦.૫ કરોડથી વધુ આદિવાસી નાગરિકોનો સમાવેશ થાય છે. તેઓ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ભૌગોલિક વિસ્તારમાં રહે છે. દાયકાઓથી થતા નાણાકીય ખર્ચ અને બહુ વિવિધ યોજનાઓના અમલીકરણ છતાં આદિવાસી સમુદાયનું આરોગ્ય, શિક્ષણ, પોષણ, આજીવિકા, પાણીની ઉપલબ્ધતા, શાસન વ્યવસ્થામાં પહોંચમાં પ્રણાલીગત અંતર યથાવત છે. આ કાયમી પડકારોનો સામનો કરવા અને વડાપ્રધાનના છેલ્લા માઈલ સુધીના શાસન અને લોક કેન્દ્રિત વિકાસના વિઝનને પૂર્ણ કરવા માટે આદિવાસી મંત્રાલય દ્વારા આદી કર્મયોગી અભિયાન શરૂ કર્યું છે. જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટે મિશન ધરાવે છે.
આ કાર્યક્રમમાં નિયામક આશિષકુમારે આદિ કર્મયોગીનું મિશન, વિઝન, હેતુઓ, રાષ્ટ્રીય મિશન સાથે સંકલન, ચેન્જ લીડર, વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન વગેરે મુદ્દા ઉપર સવિસ્તાર સમજ આપી હતી. આ ઉપરાંત ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાએથી ગ્રામીણ કક્ષા સુધી કેવી રીતે આદિ કર્મયોગી અભિયાન લઈ જવાનું છે અને ૨૦ લાખ ચેન્જ લીડર તૈયાર કરવા અંગે વાત કરી હતી. તા. ૧૧ થી ૧૭ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન આદિ કર્મયોગી - રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ અંતર્ગત રીજનલ પ્રોસેસ લેબ (RPL) - પુને (મહારાષ્ટ્ર) ખાતે તાલીમ યોજાઈ ગઈ. આ તાલીમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધીત લાઈન ડિપાર્ટમેન્ટના ૦૮ અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા. આ અધિકારીશ્રીઓમાંથી ત્રણ અધિકારીશ્રીઓ શ્રી આર. ધનપાલ, ડો.વિપુલ રામાણી, ડો.નયન જોશીએ પોતે સાત દિવસ દરમિયાન શું શીખ્યા તે અંગેના અનુભવો જણાવ્યા હતા. જેમાં તેમણે વ્યક્તિગત, સંગઠનાત્મક અને સામુદાયિક બદલાવ અંગેની એક્સરસાઇઝની વાત કરી હતી. રાજ્ય સ્તરથી ગ્રામીણ સ્તર સુધી ચેન્જ લીડર કેવી રીતે કરી શકાય અને ગ્રામીણ આદિવાસી લોકોની સમસ્યાઓ, પડકારો ઓળખી તેમના ઉકેલો કેવી રીતે લાવી શકાય અને સરકારી યોજનાઓને ૧૦૦% સેચ્યુરેશનમાં કેવી રીતે બદલી શકાય તે અંગેના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ અને સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટ શું ઓફર કરી શકે અને તેઓ બીજા વિભાગો પાસે શું અપેક્ષા રાખે છે તે અંગેની પણ સમજ આપી હતી.
આકાશ ભલગામાએ પોતાના પ્રેઝન્ટેશનમાં જણાવ્યું કે આદિ કર્મયોગી અભિયાનની રાજ્ય કક્ષાએથી ગ્રામ્ય કક્ષા સુધી લઈ જવા માટેનું આયોજન, દરેક કક્ષાની જવાબદારી, વિવિધ કક્ષાના જૂથો, રજીસ્ટ્રેશન, વિવિધ કક્ષાએ તાલીમ વગેરે મુદ્દા ઉપર સવિસ્તાર સમજ આપી હતી. ત્યાર પછી પાણીની સમસ્યા અને તેના ઉકેલ સંદર્ભમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. અંતમાં સૌ અધિકારીશ્રીઓએ આદિ કર્મયોગી અંગેના શપથ લીધા હતા. રાજ્યકક્ષાએથી ગ્રામીણ કક્ષા સુધી પોતાની જવાબદારી નિભાવવા માટે સેવા, સમર્પણ અને સંકલ્પની ભાવના વ્યક્ત કરી હતી.
આગામી તા.૨૫ થી ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન ગાંધીનગર ખાતે આદિ કર્મયોગી સ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ અંતર્ગત સ્ટેટ પ્રોસેસ લેબ (SPL)નું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં આદિવાસી જિલ્લાઓમાંથી ૧૦૦ જેટલા જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહીને આદિ કર્મયોગી અંગેની તાલીમ મેળવનાર છે. સપ્ટેમ્બર - ૨૦૨૫માં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત આગળની તાલીમ યોજાનાર છે. તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ભારતમાં અને ગુજરાતમાં સવિશેષ ગ્રામસભા યોજાનાર છે. વડાપ્રધાનના વિક્સિત ભારત@ 2047 ના વિઝનને સાકાર કરવા આ વિશેષ ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા વિલેજ ડેવલપમેન્ટ પ્લાન અને વિઝન બિલ્ડીંગ અંગે ચર્ચા કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ