પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): પાટણમાં પ્રશાંત ઠક્કરના આત્મહત્યા દુષ્પ્રેરણ કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ તથા એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે BNSS-2023ની કલમ 72 હેઠળ પકડ વોરંટ જારી કર્યા છે. આ ત્રણ આરોપીઓમાં મૃતકની પત્ની રીટાબેન તથા તેના બે સાળા રાજેશ અને ભરત અખાણીનો સમાવેશ થાય છે. ચોથો આરોપી જૈમિન ભરત અખાણી હાલ આગોતરા જામીન પર છે.
આ કેસની પૃષ્ઠભૂમિ મુજબ, 9 એપ્રિલ 2025ના રોજ પ્રશાંત ઠક્કરે પોતાના ઘરે આગ ચાંપી આત્મહત્યા કરી હતી. મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રશાંતની પત્ની, બે સાળા અને સાળાના પુત્રે તેને સતત માનસિક ત્રાસ આપ્યો હતો અને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હતો. આ તમામ આરોપીઓની આગોતરા જામીનની અરજીઓ પાટણ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં નામંજૂર કરવામાં આવી હતી.
પાટણ 'બી' ડિવિઝનના PI પી.ડી. સોલંકીએ 14 ઓગસ્ટ 2025ના રોજ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીઓ ધરપકડથી બચવા ફરાર છે અને તેમને શોધી કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. પડોશીઓએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી ત્યાં રહેતા નથી. છેલ્લા ત્રણ મહિના સુધી કોઈ પત્તો ન મળતા કોર્ટએ નોંધ્યું હતું કે તપાસ અટકી ગઈ છે, એટલે તપાસ આગળ ધપાવવા માટે પકડ વોરંટ જારી કરવો જરૂરી બન્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ