જામનગર, 23 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના દરેડ જીઆઇડીસીમાં બ્રાસપાર્ટના કારખાનામાં ચાલતા જુગારના અખાડા પર એલસીબીએ દરોડો પાડીને ૭ શખ્સોને રોકડ, મોબાઇલ, ફોરવ્હીલ મળી કુલ ૩૪.૪૧ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા. દરોડાના પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.
જામનગરના એસપી ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આઇપીએસ પ્રતિભા દ્વારા દારૂ, જુગારના કેશો શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મોરી, પીએસઆઇ કાંટલીયા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલસીબીના સુમિતભાઇ, ભયપાલસિંહ, અજયભાઇ અને ક્રિપાલસિંહને મળેલ ખાનગી હકીકત આધારે જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ-૨માં આવેલ મનાલી બ્રાસપાર્ટ નામના કારખાનામાં તિનપતી જુગારનો અખાડો ચાલતો હોય જેથી દરોડો પાડયો હતો.
અહી તિનપતીનો જુગાર રમતા એમ્યુઝમેન્ટપાર્ક, કૃષ્ણનગર-૩માં રહેતા વેપારી ધીરજ ડા સંઘાણી, સરદારપાર્ક અશોકવાટીકા-૩માં રહેતા વેપારી ભાવેશ જમન દોંગા, ૮૦ ફુટ રોડ, મેહુલપાર્ક ડી-૬૪માં રહેતા વેપાર કરતા વીનુ બાબુ દુધાગરા, પટેલપાર્ક શેરી નં. ૪માં રહેતા વેપારી જયેશ કિશોર ત્રિવેદી, રણજીતનગર બ્લોક જી-૧૬ મ નં. ૨૧૭૧માં રહેતા વેપારી ભગા રાણા કટારા, શ્રીનીવાસ કોલોની-૨ સાકાર એપાર્ટમેન્ટ બ્લોક ૫૦૧માં રહેતા ખેતીકામ કરતા નારદ કેશવ સંઘાણી અને ઓશવાળ કોલોની-૨માં રહેતા વેપારી ધીરેન અમૃતલાલ ગાલીયાની અટકાયત કરી હતી. જયારે જામનગરનો નિકુંજ પટેલ નાશી છુટયો હતો.
દરોડા દરમ્યાન એલસીબી દ્વારા ૨.૭૬.૫૦૦ની રોકડ, ગંજીપતા, ૭ મોબાઇલ તથા બે ફોરવ્હીલ કાર મળી કુલ ૩૪.૪૧.૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો તમામ સામે પંચ-બીમાં જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી આ દરોડાના પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt